- છેલ્લા પાંચ વર્ષ દરમિયાન
- ગત વર્ષે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 68,229 ખેડૂતોને રૂ.100 કરોડથી વધુની પાક નુકશાન સહાય અપાય
કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોને પાક નુકશાન સામે આર્થિક ટેકો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય ઉપરાંત આપત્તિની તિવ્રતાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ દાખવી રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય પણ આપવામાં આવે છે.વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકશાન સામે ઉદાર અભિગમ દાખવી રાજ્યના 99.43 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.12,389 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ-2024 સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં તથા જુનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, ઘાસચારો અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. જેનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના 18,023 તેમજ પોરબંદર જિલ્લાના 50,206 ખેડૂતોને મળી 68,229 ખેડૂતોને કુલ રૂ. 100 કરોડથી વધુ પાક નુકશાન સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી છે.
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ
સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય આપવામાં આવી છે.
કૃષિ મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યુ હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં 1,669 અરજીઓ, અબડાસામાં 1,893, ગાંધીધામમાં 59, નખત્રાણામાં 1,668, ભચાઉમાં 2,866, ભુજમાં 2,203, ભુજ શહેરમાં 57, મુન્દ્રામાં 1,019, માંડવીમાં 1,688, રાપરમાં 4,129 અને લખપત તાલુકામાં 680 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ 17,932 અરજીઓ મંજુર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. 37,81,39,703 જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચુકવવામાં આવી છે.
મંત્રીએ યોજનાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીમાં કૃષિ યાંત્રિકરણ અપનાવવાથી તેમને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં ખાતર, દવા અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કૃષિ યાંત્રિકરણ થકી 10 થી 15 ટકા ખેત ઉત્પાદનમાં વધારો, 15 થી 20 ટકા બિયારણ અને ખાતરની બચત તથા 20 થી 30 ટકા સમય અને મજૂરીની પણ બચત થાય છે.