- ભારત સરકારના વર્ષ 2025-26ના અંદાજપત્રને ખેડૂત હિતલક્ષી ગણાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- પ્રથમ એન્જીન તરીકે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરીને કૃષિ મંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રને આવકાર્યું
- પ્રધાનમંત્રી ધાન-ધન્ય કૃષિ યોજના, કપાસ અને કઠોળની ઉત્પાદકતા વધારવા માટેના નવા પ્રયાસો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી નીવડશે: મંત્રી રાઘવજી પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે રજૂ કરાયેલા ભારત સરકારના વર્ષ 2025-26ના અંદાજપત્રને કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાગરિકલક્ષી અને ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી ગણાવ્યું હતું. વિકસિત ભારત @ 2047ની સંકલ્પનાને ચરિતાર્થ કરવા તેમજ કૃષિ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓને ઉજાગર કરવા કેન્દ્રીય અંદાજપત્રના પ્રથમ એન્જીન તરીકે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા બદલ કૃષિ મંત્રીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
કૃષિ મંત્રીએ કેન્દ્રીય અંદાજપત્રને સહૃદય આવકારતા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ‘મોદી 3.0 સરકાર’ દ્વારા કૃષિ ક્ષેત્ર માટે રૂ. 1.71 લાખ કરોડની રકમનું માતબર બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતો અને ખેતીને પ્રોત્સાહન આપતી અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. ઓછી ઉત્પાદકતા. મધ્યમ પાક તીવ્રતા અને સરેરસથી ઓછા ધિરાણ પરિમાણો ધરાવતા દેશના 100 જિલ્લામાં ખેત ઉત્પાદકતા અને કૃષિ પ્રવૃત્તિઓ વધારવા માટે નવી “પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના”ની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારત સરકાર કઠોળ અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા વધારવા માટે 6 વર્ષનું “નેશનલ મિશન ફોર એડીબલ ઓઈલસીડ” અમલમાં મૂકશે. ભારતમાં ગુણવત્તાયુક્ત કપાસનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને કપાસ ઉત્પાદનના સારા ભાવો મળી રહે તે માટે કપાસની ઉત્પાદકતા વધારવા પાંચ વર્ષનું “મિશન ફોર કોટન પ્રોડક્ટીવીટી” અમલમાં મૂકવામાં આવશે. તેવી જ રીતે, ખેડૂતોને સારી ઉપજ, ઓછી જીવાત અને આબોહવાને અનુરૂપ બીજવારો મળી રહે તે માટે સારી ઉપજ આપતા બીજ માટે “નેશનલ મિશન ઓન હાઈ યીલ્ડીંગ સીડ્સ” પણ અમલમાં મૂકવામાં આવશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.
કિશન ક્રેડીટ કાર્ડ હેઠળ ખેડૂતો, પશુપલાઓ અને માછીમારો માટે ટૂંકા ગાળાની લોનની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાના નિર્ણય ઉપરાંત માછલી અને ઝીંગાના નિકાસ પર લાગતી 15 ટકા બેઝીક કસ્ટમ ડ્યુટી તેમજ ફ્રોઝન ફીશ પેસ્ટ સહિતના ઉત્પાદનો પર લગતી 30 ટકા બેઝીક કસ્ટમ ડ્યુટી ઘટાડીને માત્ર 5 % કરવાના નિર્ણયને પણ કૃષિ મંત્રીએ બિરદાવ્યો હતો.
મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, વર્ષ 2025-26ના અંદાજપત્રમાં ભારત સરકારે કૃષિ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે કરેલા વિવિધ નવા નિર્ણયો, નવી યોજનાઓ તથા નવા મિશનથી દેશના કરોડો ખેડૂતો ઉપરાંત ગુજરાતમાં ખેડૂતોને મોટો લાભ થશે. ખાસ કરીને નવા ત્રણ મિશન અમલમાં મૂકાયા બાદ ગુજરાતના કપાસ અને કઠોળનું વાવેતર કરતા ખેડૂતોની આવકમાં વધારો થશે.