- જામનગર કલેક્ટર કચેરી ખાતે જમીન માપણી અને લોકોના પ્રશ્ર્નો તેમજ રજૂઆતો તાત્કાલીક ધ્યાને લેવા કૃષિ મંત્રીએ અધિકારીઓને સૂચના આપી
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડયા તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં આયોજન હાથ ધરવા મંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા. બેઠકમાં મંત્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, પડતર અરજીઓનો ત્વરિત અને સંતોષકારક નિકાલ લાવવો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ નાગરિકો દ્વારા મંત્રીશ્રી મારફત રજૂ કરાયેલ પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સૂચના કરી હતી.
તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરવા, ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે અગાઉ ખેડૂતોને જાણ કરવી, કચેરી ખાતે પણ ફાળવવામાં આવેલ સ્ટાફ દ્વારા દફ્તરી અંગેની કામગીરી વેગવંતી બનાવવા અંગે મંત્રીશ્રીએ લગત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી. એન. ખેર, ડી. આઈ. એલ. આર. અધિકારી કાનજીભાઇ ગઢીયા, અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે કલેકટર બી.કે. પંડ્યા સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર બી.કે. પંડયા તથા ડિસ્ટ્રીક્ટ લેવલ બેંકર્સ કમિટીના (ડીએલબીસી) સભ્યો સાથે પાક ધિરાણ સંદર્ભે બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ખેડૂતોને પાક ધિરાણ, લોન, માછીમારીઓને લોન આપવી તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી વધુમાં વધુ જરૂરિયાતમંદોને સરકારની યોજનાઓનો ફાયદો મળે તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવા બેન્ક મેનેજરઓને માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરબી.એન. ખેર, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.