અમિત શાહની ખેડૂતો સાથે બે કલાકની વાતચીત આજની સરકાર સાથેની છઠ્ઠા તબક્કાની વાતચીત રદ
છેલ્લા લાંબા સમયથી કૃષિ વિધેયકના વિરોધમાં દેશવ્યાપી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો ત્રણ કૃષિ વિધેયકને રદ્દ કરવા આંદોલન કરી રહ્યાં છે. ત્યારે હવે એ બાબત સ્પષ્ટ થઈ છે કે, કૃષિ વિધેયક રદ્દ થશે નહીં. જરૂરી ફેરફારો કરી કૃષિ વિધેયકને યથાવત રાખવામાં આવે તેવી હાલના તબક્કે શકયતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારની રાતે ખેડૂત અગ્રણીઓ સાથે બે કલાક સુધી વાતચીત કરી હતી. રાત્રીના ૯ વાગ્યે શરૂ થયેલી બેઠક ૧૧ વાગ્યા સુધી ચાલી હતી. આઈસીએઆરના ગેસ્ટ હાઉસમાં યોજાયેલી બેઠક પછી ખેડૂત નેતા હનન મુલાએ કહ્યું હતું કે, સરકાર કાયદા પરત નહીં ખેંચે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે.
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુધ્ધ ખેડૂતોનો વિરોધ ૧૩માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. ભારત બંધના એલાનની ઠેર-ઠેર અસર પણ જોવા મળી હતી. અમુક રાજ્યો બંધમાં જોડાયા હતા. જ્યારે ગુજરાત જેવા રાજ્યોમાં બંધની અસર નહીંવત જોવા મળી હતી. બંધના એલાન બાદ વત્તા-ઓછા અંશે જાહેર જનતાથી માંડી સરકાર સુધીને બંધની અસર થઈ હતી. જે બાદ સરકાર એકશનમાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે આ બાબતની ગંભીરતા લેતા મોરચો સંભાળ્યો હતો. મોડી સાંજે અમિત શાહે ખેડૂતોના પ્રતિનિધિઓને વાતચીત માટે બોલાવ્યા હતા. જો કે, આ બેઠક રાત્રે ૯ વાગે આઈસીએઆરના ગેસ્ટ હાઉસ ખાતે શરૂ થઈ હતી અને આશરે ૨ કલાક સુધી ચાલ્યા બાદ ૧૧ વાગ્યે બેઠક પૂર્ણ થઈ હતી. બેઠક બાદ ખેડૂત નેતા હનન મુલાએ કહ્યું હતું કે, સરકાર કાયદો પરત નહીં ખેંચે તે બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે.
અમિત શાહ સાથેની વાતચીતમાં નવા રસ્તા ચોક્કસ ખુલ્યા છે પરંતુ કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. અમિત શાહ સાથેની બેઠકમાં ભારતીય કિશાન યુનિયનના નેતા રાકેશ ટીકેતે સિંધુ બોર્ડર પર પંજાબની કિશાન યુનિયનોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. મંગળવારે સાંજે કુલ ૧૩ ખેડૂત નેતાઓ સાથે અમિત શાહે મુલાકાત કરી હતી. જેમાં ટીકેતનો પણ સમાવેશ થાય છે.
ખેડૂત કાયદાના વિરુધ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોની સરકાર સાથે છઠ્ઠા તબક્કાની બેઠક યોજાઈ હતી પણ મંગળવારે સાંજે અચાનક ગૃહમંત્રી અમિત શાહ તરફથી મુલાકાતનું નિમંત્રણ મળતા રાત્રે વાતચીત થઈ પરંતુ કોઈ ચોક્કસ પરિણામ ન આવ્યું. મળતી માહિતી મુજબ સરકારે આજે ખેડૂત કાયદામાં ફેરફારનો પ્રસ્તાવ અને ટેકાના ભાવની ગેરંટી લેખીતમાં આપશે પણ ખેડૂતો કાયદો રદ્દ કરવાની માંગ પર અડગ છે. સુત્રોના જણાવ્યા મુજબ આજે કેબીનેટની બેઠકમાં આ પ્રસ્તાવ અંગે ચર્ચા થશે. ત્યારબાદ સરકાર ખેડૂતને લેખીતમાં પ્રસ્તાવ સોંપી દેશે. જો કે, ખેડૂતો સાથે આજે યોજાનારી બેઠક સરકારે ટાળી દીધી છે.
ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બેઠક માટે કુલ પાંચ ખેડૂત આગેવાનોને આમંત્રણ આપ્યું હતું પરંતુ કુલ ૧૩ ખેડૂત પ્રતિનિધિઓ મુલાકાતમાં ગયા હતા. અમુક ખેડૂતોએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, છઠ્ઠા તબકકાની આગલી રાત્રે બેઠક શા માટે બોલાવાઈ રહી છે. તેમાં પણ ૪૦ પ્રતિનિધિઓની જગ્યાએ ફકત ૧૩ સભ્યોને જ આમંત્રણ શા માટે અગાઉ બેઠકનું આયોજન અમિત શાહના નિવાસ સ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ સ્થળ બદલાવીને આઈસીએઆર ગેસ્ટ હાઉસ નક્કી કરવામાં આવી હતી. જેના કારણે બે ખેડૂત બેઠકમાં હાજર રહી શકયા ન હતા અને ખેડૂતોએ તેમના વિના જ ચર્ચા શરૂ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે ૨ ખેડૂતોને કોર્ડન કરી રાત્રે લગભગ ૬:૧૫ કલાકે આઈસીએઆર ગેસ્ટ હાઉસ ખાતે લઈ આવી હતી. બેઠકમાં શાહે અનેકવિધ નિષ્ણાંતોને બોલાવ્યા હતા. જેમણે ખેડૂતોને આગામી દિવસોમાં કૃષિ વિધેયકના ફાયદા તેમજ અસર અંગે સમજણ આપી હતી. તેમ છતાં ખેડૂતોએ તેમના તર્ક પર અડગ રહ્યાં હતા. સુચનોના આધારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહે એપીએમસી એકટ અંગે સુધારો કરવાનું કહ્યું છે જેના માટે આજે લેખીત પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે. બુધવારે સરકાર અને ખેડૂતો વચ્ચે યોજાનારી છઠ્ઠા તબક્કાની બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક પહેલા વર્ચ્યુઅલી યોજવાની જાહેરાત થઈ હતી. પરંતુ ખેડૂતોએ તેનો વિરોધ કરતા ગૃહમંત્રીએ રૂબરૂ વાતચીત કરવા આમંત્રણ આપ્યું હતું. બેઠક પહેલા ખેડૂતોએ કહ્યું હતું કે, કોઈ વચ્ચેનો રસ્તો નહીં પરંતુ અમે કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગ સાથે જઈ રહ્યાં છીએ અને ગૃહમંત્રી પાસે ફકત હા કે ના માં જવાબ ઈચ્છીએ છીએ. કાયદો પરત ખેંચવા સીવાય અમારી અન્ય કોઈ માંગ નથી. અમિત શાહે લેખીત પ્રસ્તાવમાં ખાતરી આપતા કહ્યું છે કે, લઘુતમ ટેકાના ભાવ પ્રથા નાબૂદ થશે નહીં તેમજ એપીએમસી પણ કાર્યરત રહેશે. કેન્દ્ર સરકાર મંડી પ્રથાના વિરોધમાં નથી.
ખેડૂત અગ્રણીઓએ કહ્યું છે કે, લગભગ ૧૦મી ડિસેમ્બરના રોજ ફરીવાર ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક મળશે જેમાં અમને લેખીત પ્રસ્તાવ આપવામાં આવશે. જેમાં લઘુતમ ટેકાના ભાવ તેમજ એપીએમસી પ્રથા અંગે ગેરંટી આપવામાં આવશે.
હાલ સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે કુલ પાંચ તબક્કાની બેઠક યોજાઈ ચૂકી છે. ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ ગઈકાલે ખેડૂતો સાથે બેઠક યોજી ગુંચ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે ખેડૂતોને સ્પષ્ટ જણાવી દેવાયું છે કે, કૃષિ વિધેયક કોઈપણ સંજોગોમાં પરત ખેંચાશે નહીં. ત્યારે હાલ મુખ્ય પ્રશ્ર્ન એ ઉદ્ભવીત થઈ રહ્યો છે કે, શું હવે ખેડૂતોની મડાગાંઠ ઉકેલાશે કે વધુ ગુંચવાશે ? જો કે, સરકારે લેખીત પ્રસ્તાવમાં એમએસપી સહિતની બાબતો અંગે ખાતરી આપવા રજામંદી બતાવી છે ત્યારે હવે ખેડૂતોની મડાગાંઠનો સમગ્ર દારોમદાર લેખીત પ્રસ્તાવ પર મંડાયો છે.