કોરોના વયરસને કારણે વિશ્વભરમાં છવાયેલી મહામારીની દરેક ક્ષેત્ર પર ગંભીર નકારાત્મક અસરો ઉપજી છે. આ કપરાકાળમાં નાના અને મધ્યમ વર્ગીય દેશો તો જાણે વર્ષો પાછળ ધકેલાઈ ગયા હોય તેમ સ્થિતિ ઉભી થઈ છે. વિકાસશીલ દેશો તો ઠીક પરંતુ વિકસિત દેશોની પણ કંઈક આવી જ હાલત છે. પરંતુ દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ અનેક ગણી સારી છે. અર્થતંત્ર તો મજબૂતાઈભેર ઉભરી આગળ ધપી રહ્યું છે તો આ સાથે કૃષિ ક્ષેત્ર પણ “ચાંદી હી ચાંદી” રહ્યું છે. કોરોનાને કારણે એક તરફ વિશ્વ આખું ભૂખમરાની વિકટ બનતી સમસ્યાથી ચિંતિત છે એવા સમયે ભારતની ખેતી જામી છે. દેશના અન્ન ભંડાર છલોછલ છે.
કોઈ પણ દેશના સર્વાંગી વિકાસ માટે કૃષિ એક મહત્વનું પાયારૂપ પરિબળ છે. ઔધોગિક એકમો માટે પણ કૃષિ ક્ષેત્ર કાચો માલ પૂરું પાડતું હોવાથી ઉધોગોને ધબકતું રાખવા ખેતી ક્ષેત્ર અનિવાર્ય અને અવગણી ન શકાય તેવો પાયો છે. કોરોનાકાળમાં ભારતનો આ પાયો વધુ મજબૂત બન્યો છે. મહામારી વચ્ચે પણ આ વર્ષે કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચવાની પ્રબળ સંભાવના છે. આ સાથે કૃષિ પેદાશોની નિકાસ પણ વધી છે. નિકાસમાં જબરા ઉછાળાથી વિદેશી ભંડોળ પણ વધ્યું છે.
કૃષિક્ષેત્રના સતત અને વેગવંતા વિકાસને કારણે જ મોદી સરકાર દ્વારા જનતાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાહતો પૂરી પાડવામાં આવી છે. 24 લાખ ટન અનાજના ભંડાર ભરાતા 80 કરોડ લોકોની જઠરાગ્નિ ઠારવાનો મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. પાડોશી દેશ પાકિસ્તાન પેટનો ખાડો પુરવા સક્ષમ નથી એવી સ્થિતિએ ભારત વિશ્વભરમાં ખેત પાકોની નિકાસ કરી વિશ્વના લોકોની પણ જરૂરિયાત સંતોષી રહ્યો છે.
કૃષિ પેદાશની દેશની સ્થાનિક માંગ રોગચાળાને કારણે મંદ થઈ છે તો સામે ઉત્પાદન મબલખ પ્રમાણમાં થયું છે. આના કારણે જ માર્ચ માસથી ભારતની નિકાસ સકારાત્મક માર્ગ પર રહી છે. ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. માર્ચમાં નિકાસનો આંકડો 60 ટકાથી વધી 34.5 અબજ ડોલર પર પહોંચી ગયો હતો. અને એપ્રિલમાં આ આંકડો 30.63 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. મે મહિનામાં, નિકાસ 67.4% વધીને 32.2 અબજ ડોલર થઈ, જે મે 2020માં 19 અબજ ડોલર હતી, જે 69.35%ની વૃદ્ધિ દર્શાવે છે. જૂનના પહેલા અઠવાડિયામાં જ નિકાસ 52.4 અબજ ડોલરે પહોંચી ગઈ છે.
નિકાસમાં ઉછાળાના સંકેતો દર્શાવે છે કે પશ્ચિમ દેશોમાં માંગ વધી રહી છે, અને ભારતીય અર્થવ્યવસ્થાને માટે આગળ ધપવાની આ એક મોટી તક સમાન છે. વિશ્વ આખા માટે ભૂખમરાની સમસ્યા ઘેરી ચિંતાનું કારણ બની છે ત્યારે ભારત માટે આ આફતને અવસરમાં પલટાવવાની તક મળી છે. આ તરંગને સવારવાની તક મળી છે. નાના અને મધ્યમ ઉદ્યોગો એન્જિનિયરિંગ ગુડ્ઝ અને જેમ્સ અને જ્વેલરી જેવી કેટેગરીમાં પણ વૈશ્વિક માંગ વધતા ભારતીય બજાર માટે ઉજળી તકો ઉભી થઇ છે.
કૃષિ પેદાશોમાં મકાઈ, ચોખા અને ઘઉંની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કૃષિ અને પ્રોસેસ્ડ ફુડ્સ એક્સપોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટી (એપેડા)ના એક અહેવાલ મુજબ, 2020-21 ચોખાની નિકાસ અગાઉના સમયગાળાની તુલનામાં લગભગ બમણી થઈને 17.7 મિલિયન ટન (મેટ્ર) થઈ હતી, જેણે એક રેકોર્ડ બનાવ્યો છે. 2019-20માં ચોખાની નિકાસ 9.5 મિલિયન ટન અને 2018-19માં 12 ટન હતી. એ જ રીતે, ઘઉંની નિકાસ અગાઉના સમયગાળાના માત્ર 0.22 મિલિયન ટનની સરખામણીમાં, વર્ષ 2020-21માં 2.1 મેટ્રિક ટન પર પહોંચી હતી, અને 2018-19માં 861% વધી. તે નાણાકીય વર્ષ 2015 પછીનો સૌથી વધુ અને મોટો ઉછાળો છે.