ખેડૂતોના પાકને મળશે જીવતદાન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો
સૌરાષ્ટ્રની નર્મદા નહેરોનાં કમાન્ડ વિસ્તારમાં પણ નર્મદાનીર છોડાશે
રાજયમાં કેટલાક વિસ્તારોમાં ખેંચાયેલા અને અપૂરતા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખાસ કરીને ખેતરોમાં ઉભા પાકને બચાવી લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે વિસ્તારોમાં નર્મદાના પાણીની સિંચાઈ માટે જરૂરીયાત ઉભી થઈ છે તે વિસ્તારોમાં આજરાતથી જ નર્મદાનું પાણી નર્મદા નહેરામાં છોડવાનો અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે.
તે મુજબ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની નર્મદા નહેરોના કમાન્ડ વિસ્તારમાં આવતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાના પાણી સિંચાઈના હેતુ માટે છોડવામાં આવશે તેમ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
રાજય સરકારે રાજયના ખેડુતોના હિતમાં આ મહત્વનો નિર્ણય આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં આ કૃષિ લક્ષી નિર્ણય લીધો હોવાનું ચુડાસમા તથા સિંચાઈ રાજયમંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતુ.
ચુડાસમાએ જણાવ્યું હતુ કે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની સૂચના મુજબ અગાઉથી જ હાલમાં નર્મદા નહેરોમાં અંદાજે ૭૦૦૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમાં જરૂરીયાત મુજબ આગામી દિવસોમાં પણ જે તે પાકને બચાવી લેવા નર્મદાના પાણી સિંચાઈના હેતુ માટે છોડવામાં આવશે. ફતેવાડી અને ખારીકટ કેનાલોમાં ડાંગરના ઉભા પાકને બચાવવા તાત્કાલીક ધોરણે નર્મદાનું પાણી છોડવાની સૂચના આપી દેવાઈ છે તેમ પણ ચુડાસમાએ જણાવ્યું હતુ.
ખાસ કરીને ઉત્તર ગુજરાતનાઅનેક વિસ્તારોમાં અપૂરતો વરસાદ છે ત્યારે એ વિસ્તારોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઈપલાઈન દ્વારા નર્મદાના પાણીથી અનેક તળાવો ભરવાની કામગીરી ચાલુ જ છે તે મુજબ આગામી દિવસોમાં પણ જયાં જરૂરીયાત ઉભી થશે ત્યાં પાઈપલાઈન દ્વારા નર્મદાના પાણીથી તળાવો ભરીને આસપાસના વિસ્તારોમાં ખેતી માટે સિંચાઈનું પાણી પૂરૂ પાડવામાં આવશે. તેમ પણ ચુડાસમા તથા સિંચાઈ રાજયમંત્રીએ જણાવ્યું હતુ. રાજય સરકારના નર્મદાનું પાણી છોડવાના નિર્ણયને લઈને ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી છે. નર્મદાના નીરથી ખેડુતોના પાકને જીવતદાન મળશે.