કૃષિ ક્ષેત્રને વધુ સુદ્રઢ અને વ્યાપક બનાવવા માટે આમુલ પરિવર્તનના દાવારૂપ ત્રણ ખરડાઓને વિપક્ષ ગણાવે છે ખેડૂત વિરોધી, નવા કાયદા મુજબ વેપારીઓને મંડી ઉભી કરવાની છુટથી ખેડૂતોને ટેકાના ભાવો મેળવવામાં પડી શકે છે ફાફા
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે આમુલ પરિવર્તન અને વિકાસની પ્રતિબદ્ધતાના દાવા સાથે રજૂ કરવામાં આવેલ કૃષિ વિધેયક સામે ઉભા થયેલા રાજકીય વિરોધ વચ્ચે અંતે કૃષિ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરી પંજાબમાં પુતળા દહન જેવા જલદ કાર્યક્રમો યોજીને આ વિધેયકનો વિરોધ કર્યો હતો. જેજેપીના ધારાસભ્યો પણ પ્રદર્શનમાં જોડાયા હતા. સંસદમાં પસાર થયેલા કૃષિ વિધેયકના વિરોધમાં હરિયાણામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યા હતા. પંજાબમાં પુતળા દહન જેવા જલદ કાર્યક્રમો વચ્ચે આ બીલનો વિરોધ થયો હતો. ભાજપના સહયોગી જનનાયક જનતા પાર્ટીના બે ધારાસભ્યોએ આંદોલનમાં ઝુકાવ્યું હતું. ખેડૂત દ્વારા કરવામાં આવેલા આંદોલનોમાં હરિયાણા અને પંજાબમાં ૧૨ થી ૩ દરમિયાન અનેક રસ્તાઓ
ઠપ્પર કરી દેવામાં આવ્યા હતા. ખેડૂત વિરોધી ગણાતા ખરડાના વિરોધનું એલાન હરિયાણાના ભારતીય કિશાન સંઘે કર્યું હતું. રાજ્યસભામાં પસાર થયેલા બે ખરડાઓ સામે વિરોધ વ્યકત કરવા બન્ને રાજ્યોમાં મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ વિવિધ સંગઠનોની મદદથી દેખાવો કર્યા હતા. પોલીસે કેટલીક જગ્યાએ દેખાવકારો પર કાબુ મેળવવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પંજાબથી દિલ્હી તરફ લઈ જવામાં આવતી કોંગ્રેસની ટ્રેકટર રેલીને હરિયાણાની સીમા પર અટકાવવાનો પ્રયાસ કરતા આંદોલનકારીઓએ પોતાનું ટ્રેકટર સળગાવી દીધું હતું.
ખેડૂતોએ હરિયાણામાં વ્યાપક દેખાવો કર્યા હતા. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચક્કાજામ કરનારાઓને રસ્તા પરથી હટાવવા માટે અનેક જગ્યાએ પ્રશાસન અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. સોનીપત, અંબાલા, ચંદીગઢ, જીંદ, પટીયાલા, દિલ્હી અને પંજાબના સીમાવતી વિસ્તારોમાં દેખાવો થયા હતા. હરીયાણાની સરહદ પર બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. ભાજપના સહયોગી જેજેપીના ધારાસભ્ય જોગીરામ બરવાળા અને રામચરણ શાહબાગે આંદોલનમાં ભાગ લીધો હતો. પંજાબમાં ઘણી જગ્યાએ પુતળા દહન કરવામાં આવ્યા હતા. ચોટાલાએ આ આંદોલનને ગેરમાર્ગે દોરનારુ જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય વરુણ ચૌધરીએ આંદોલનમાં ભાગ લીધો હતો. ધારાસભ્ય બલરામે આ કાયદાને માલેતુજારોને ફાયદો અપાવનારો ગણાવ્યો અને તેમણે ઉપવાસની જાહેરાત કરી હતી. ગુરૂનામસિંહે આ બીલને દેશની કમનસીબી ગણાવી હતી અને લોકશાહીની હત્યા સમાન ગણાવીને તેને ખેડૂત વિરોધી ગણાવી ૧૭ ખેડૂત સંગઠનોનો સહયોગ હોવાનો દાવો કર્યો હતો. યુવા કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ ટ્રેકટર રેલીમાં જોડાયા હતા.
રાજ્યસભામાં પસાર થયેલા કૃષિ વિધેયકો સામે હરિયાણા અને પંજાબમાં વ્યાપક પ્રમાણમાં આંદોલનનો જુવાળ ફાટી નીકળ્યો હતો. સરકારે આ આંદોલનને ગેરમાર્ગે દોરનારૂ અને વિરોધીઓએ આ ખરડાઓને ખેડૂત વિરોધી અને કૃષિ ક્ષેત્રને ખતમ કરનારુ ગણાવ્યું હતું.
કૃષિ વિધેયકના માધ્યમથી સરકાર પોતાના મળતિયા ધનવાન મિત્રોને કૃષિ ક્ષેત્રમાં ઘુસાડવા અધીરી બની છે: પ્રિયંકા ગાંધી
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ વિધેયકનો વિરોધ કરીને કોંગ્રેસે આ બીલને ખેડૂતો માટે કપરો સમય ગણાવ્યો હતો. કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર તેમના પ્રિય મળતિયા ધનવાન મિત્રોને કૃષિ ક્ષેત્રમાં ઘુસાડવા અધીરી બની છે. ભાજપ સરકાર ખેડૂતોના અવાજ સાંભળતી ન હોવાના આક્ષેપ કરી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પોતાના અબજોપતિ મિત્રોને કૃષિ ક્ષેત્રમાં દાખલ કરવા ભારે આતુર બની છે. ખેડૂતો માટે આ ખુબજ
કપરો સમય ચાલી રહ્યો છે. સરકારે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવો મળી રહે તે માટે મદદરૂપ થવું જોઈએ પરંતુ ઉલટાની વિપરીત પરિસ્થિતિ ઉભી કરી છે. ભાજપ સરકાર તેમના અબજોપતિ મિત્રોને કૃષિ ક્ષેત્રમાં ઘુસાડવા આતુર બની છે. તે ખેડૂતોનો અવાજ સાંભળવા પણ ઈચ્છતી નથી તેમ પ્રિયંકા ગાંધીએ ટવીટરમાં લખ્યું હતું. કોંગ્રેસના મહાસચિવની આ ટીપ્પણી પંજાબ, હરિયાણા અને તેલંગણામાં થયેલા દેખાવોના પગલે થઈ હતી. સરકારે નીચલા ગૃહમાં કૃષિ સુધારાના બે મુસદાઓ પસાર કર્યા હતા. અગાઉ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, આ ત્રણેય કાયદા ખેડૂત વિરોધી છે. નવો કાયદો કોઈપણ વેપારીને મંડીઓ ખોલવા માટે મંજૂરી આપે છે. ખેડૂત વિરોધી કાયદામાં કોઈપણ પ્રશ્ર્નોનો ઉકેલ મંડી પોતે જ કરી શકશે. આ કાયદાને લઈને શિરોમણી અકાલી દળ અને ભાજપ વચ્ચે મતમંતાતર પ્રવર્તી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરમીત કૌરે કેબીનેટમાંથી રાજીનામુ આપી દીધું હતું. પ્રિયંકા ગાંધીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર માલેતુજાર મિત્રોને કૃષિ ક્ષેત્રે ઘુસાડવા આતુર બની છે. આ કાયદાથી કૃષિ ક્ષેત્ર ખતમ થઈ જશે.