ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા ખેતી બેન્કની 70મી વાર્ષિક સામાન્ય સભા કાર્યક્રમ અમદાવાદ ખાતે ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડીયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે તા.28ના જૂનના ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા ખેતી બેંકની 70મી વાર્ષિક સામાન્ય સભા કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતના સાંસદ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં ચેરમેન ડોલરભાઇ કોટેચાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં અમિતભાઈ શાહે સંબોધન કરતાં જણાવ્યું કે, આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળીને મને હૃદયથી ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણીનો અનુભવ થયો છે. દેશ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને 25 વર્ષ પછી દેશ જ્યારે આઝાદીની શતાબ્દી મનાવશે તે સમયે આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ આ સંકલ્પ આપણી અને સમગ્ર દેશની સમક્ષ રાખ્યો છે અને વિશેષ દેશની સમૃદ્ધિમાં સહકારિતાના માધ્યમથી યોગદાન કરવાની જવાબદારી અને સંકલ્પ કરવાની જવાબદારી સહકારીતા ક્ષેત્રને સોંપી છે અને આજે ગુજરાતના આ સહકારી મહાકુંભની અંદર 70 વર્ષ પૂર્ણ કરી 71 વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે ખેતી બેન્કના સૌ સભાસદો, ખેડૂત મિત્રો અને સહકારી આગેવાનોને હું હૃદય પૂર્વક અભિનંદન અને શુભકામનાઓ આપવા માંગુ છું.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, સરકાર સાથે સહકાર ક્ષેત્રની ભાગીદારી મળે ત્યારે સેવાકીય કામોના ખૂબ સારા પરિણામ મળે છે. ગુજરાત રાજ્ય સહકાર ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. કેન્દ્રમાં પહેલી વાર સહકારી મંત્રાલય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાવ્યું અને સહકાર મંત્રાલયની જવાબદારી આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહને આપી છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના સાંસદ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ખેતીબેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, પ્રદેશ સહકાર સેલના ક્ધવીનર બીપીનભાઇ ગોતા, સહકારી આગેવાન અજયભાઇ પટેલ, તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.