ખેતપેદાશોની ગુણવત્તા જળવાઇ રહે તેમજ ખેડૂતોને પાકોના સારા ભાવ મળી રહે તે માટે ફૂડ પ્રોસેસીંગ સ્તર ઉંચુ લાવવા સરકારના અથાગ પ્રયાસો
ભારત ખેતઉત્પાદનો ક્ષેત્રે વિશાળ ક્ષમતા ધરાવે છે. લગભગ પપ ટકાથી વધુ લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા છે. ખેત ઉત્પાદનોનો બગાડ અટકે તેમજ ખેતીક્ષેત્રે સ્વાવલંબી બનવા સરકાર અનેક મથામણો કરી રહી છે જ્યારે ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસીમરત કૌર બાદલે જણાવ્યું કે, આવતા થોડા દિવસોમાં ખેતપેદાશોના સંગ્રહ માટે વધુ ૧૦૦ કોલ્ડ ચેઇન્સ બનાવાશે જે ખેતપેદાશોનો થતો બગાડ અટકાવવામાં મદદરૂપ થશે.
ફૂડ પ્રોસેસિંગ મંત્રીએ કહ્યું કે, હાલ ફૂડ પ્રોસેસિંગ સ્તર ઘણું નીચુ છે. પરંતુ આ સ્તરને ઉંચુ લાવી ખેતપેદાશોની ગુણવત્તા જળવાઇ રહે છે તેમજ તેમનો સંગ્રહ થઇ શકે તે માટે સરકાર યોગ્ય વાતાવરણ ઉભુ કરવાના પ્રયત્નો કરી રહી છે. આવનારા થોડા દિવસોમાં વધુ ૧૦૦ કોલ્ડ ચેઇન્સ ઉભા કરવાનું હરસીમરત કૌર બાદલે ગ્લોબલ ફૂડ એન્ડ હોસ્પીટાલીટી ફેરના ૩૨મા એડીશનના ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું. વધુ ૧૫૦ કોલ્ડ ચેઇન બનાવવાનો લક્ષ્યાંક સેવાયો છે.
ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ સુધીમાં ૮૧ કોલ્ડ ચેઇન પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યા છે. જેમાંથી ૧૯ મહારાષ્ટ્રમાં અને ૧૩ ઉત્તરાખંડમાં કોલ્ડ ચેઇન બનાવાયા છે. આ સમારંભમાં ફોરેન ટ્રેડ એડજર વાસ્ક્યુર્ઝના મંત્રી અને પોલાન્ડ ડેપ્યુટી કૃષિમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
ખેતપેદાશોના બગાડ વિશે કહ્યું કે, દેશમાં કુલ ફૂડનું ૩૦ થી ૪૦ ટકા બગાડ થાય છે. ફૂડને વેચાણ સુધી પહોંચવા દરમિયાન થતા બગાડના સ્તરને ઝીરો કરવા માટે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટો અમલમાં મુકાયા છે. ફૂડ પ્રોસેસિંગ લેવલ વધારવું ખૂબજ જરૂરી છે. આ ફૂડ પ્રોસેસિંગ સ્તર ઉંચુ આવતા ખેડૂતોને તેમના પાકોના સારા ભાવો મળી રહેશે તેમજ યુવાનો માટે રોજગારીની તકો પણ ઉભી થશે.
પ્રોસેસિંગ મંત્રીએ આગળ જણાવતા કહ્યું કે, ફૂડ પ્રોસેસિંગ યુનિટોને સસ્તાદરે લોન મળી શકે તે માટે અમે રૂ.૨૦૦૦ કરોડની નાબાર્ડને ફાળવણી કરી છે. આ ઉપરાંત, ફૂડ પ્રોસેસિંગ યુનિટોમાં રોકાણ કરવા વિદેશી કંપનીઓને આકર્ષવા એફડીઆઇ (વિદેશી મૂડીરોકાણ) નીતિમાં ઘણા ફેરફારો કરી રાહતો આપવામાં આવી છે