સહકારી મંડળી અથવા પ્રતિષ્ઠીત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવી

મોરબીનાં નાયબ ખેતી નિયામક એક યાદીમાં બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે ખેડૂતોને નીચેની બાબતોની ખાસ કાળજી રાખવા વિનંતી કરવામાં આવી છે.

જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ? તેની ખાતરી તથા કોઈ પણ સંજોગોમા મુદ્દત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહી.

ત્રણેય ઈનપુટસના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ સરનામા તથા તેની સહીવાળા બીલમા ઉત્પાદકનું નામ,લોટ નંબર,બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામા તેની ઉત્પાદન અને મુદ્દત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બીલ મેળવી લેવું અને બીલમા દર્શાવેલ વિગતોની ખરાઈ થેલી,ટીન,લેબલ સાથે અવશ્ય કરી લેવી. ખાતરની થેલી,બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઈઝર, બાયોફર્ટીલઈઝર, ઓર્ગેનીક ફર્ટીલાઈઝર અથવા તો નો-એડીબલ કેક ફર્ટીલાઈઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમા ભરેલી પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોય શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી.

વૃધ્ધિકારકો (ગ્રોથ હોરમોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઈન્સેક્ટીસાઈડ બોર્ડ દ્રારા આપવામા આવેલ તેનો સી.આઈ.બી.રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫ના ખુણે હિરાના આકારમાં મુકેલ ચોરસમા બે ત્રીકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમા તેના ઝેરીપણા અંગેની નિશાની,ચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકો,જંતુનાશક દવાની બોટલ,પાઉચ,પેકેટ,થેલીમા રહેલ વૃધ્ધિકારકો,જંતુનાશક દવાની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો,જંતુનાશકોની ખરીદી કોઈ પણ સંજોગોમાં ન કરવી.આ ઉપરાંત ખાતર બીયારણ અને જંતુનાશક દવાની ગુણવતા અંગે કોઇ શંકા કે સશંય હોય તો મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ.), ખેતીવાડી અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારશ્રી કે ગ્રામ સેવકનો સંપર્ક કરવો તથા આ અંગે કુષિ ભવન, ગાંધીનગરની કચેરીના ટેલીફોન નંબર ૦૭૯-૨૩૨-૫૬૦૮૨ ઉપર પણ કચેરી સમય દરમમિયાન આપની રજુઆત/ફરિયાદ કરવા નાયબ ખેતી નિયામક મોરબીની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.