મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં એમએસએમઇ અને સિડબી વચ્ચે થયા કરાર
રાજ્યના MSME એકમોમાં કેપેસીટી બિલ્ડિંગ, તાલીમ, આધુનિક ટેકનોલોજી, ટિજિટલ પ્લેટફોર્મ અને ઇનોવેશન થકી તેની ક્ષમતા નિર્માણમાં વધારો કરવા MSME અને SIDBI વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત રાજ્યના MSME એકમો માટે વિવિધ સહાય યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આજે MSME એકમો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા- SIDBI વચ્ચે કરાર થવાથી MSME એકમોને તાલીમ, આઇ.ટી. પ્લેટફોર્મ અને ઇનોવેશન ક્ષેત્રે નવી દિશા મળશે જેના પરિણામે MSME એકમો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે.
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે કરારની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ MOUના અમલીકરણથી MSME એકમોમાં SIDBIના સહયોગથી તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેના કારણે ટેકનોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશનને વેગ મળશે. ક્લસ્ટરમાં MSME માટે માળખાગત પ્રોજેક્ટસ અને સામાન્ય સુવિધા કેન્દ્રોની સંભાવના માટે મૂલ્યાંકન કરવામાં આવશે.
આ ઉપરાંત ઉત્તમ પદ્ધતિઓનો મેપીંગ ભંડારનો ઉપયોગ કરી માર્ગદર્શીકા માટે શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવશે. યોજનાઓ, નવી પહેલ, પ્રોજેક્ટ વગેરેના હાલના માળખાનો અભ્યાસ કરી તેની અસરકારકતા વધારવા અને અડચણો દૂર કરવા સૂચનો કરશે. MSME એકમો માટે ડિજિટલ પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે હેન્ડહોલ્ડિંગ પુરૂ પાડવામાં આવશે, નિવેશની અસરનું મૂલ્યાંકન કરવા માટેનું માળખું ઉભુ કરી અભ્યાસ કરાશે તેમજ નીતિના ઘડતરમાં જરૂરી સલાહ સુચનો પૂરા પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર વતી MSME કમિશનર રણજીત કુમાર તેમજ SIDBIના DMD વી. એસ. વૈંકટરાવએ MOU પર હસ્તાક્ષર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ અંતર્ગત MSMEને વિવિધ સહાય યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓ મુખ્ય આશય MSME ઉદ્યોગોને કેપીટલ સબસીડી, વ્યાજ સહાય સબસીડી, એમડીએ, સીજીટીએમએસઇ, ટેકનોલોજી એક્વીઝીસન, પેટન્ટ સહાય, એસએમઈ એક્સચેન્જ વિગેરે જેવી જૂદી-જૂદી સહાય યોજનાઓ મારફતે ગ્લોબલ લેવલે MSME આર્થિક સદ્ધર થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી શકશે.