- મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપી ગૌતમ જોષી,મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ
અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં જયારે મોતના તાંડવમાં સત્તાવાર રીતે 27 લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ કરુણ ઘટના પાછળ જવાબદાર બેપરવાહ અધિકારીઓની ગુનાહિત લાપરવાહીને શાંખી નહિ લેવાય તેવી રીતે હવે વર્તમાન અને પૂર્વ અધિકારી-કર્મચારીઓ પર ધોસ બોલી રહી છે. ગેમઝોનમાં ખડકી દેવાયેલો ત્રણ માળનો આખે આખો માંચડો ગેરકાયદે હતો તેમ છતાં ધમધમી રહ્યો હતો, ફાયરની એનસોસી ન હતી, અગાઉ આગ પણ લાગી હતી તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહિ. આ તમામ બાબતોને ધ્યાને રાખીને મનપાના ટીપીઓ એમ ડી સાગઠીયા, એટીપી ગૌતમ જોશી, એટીપી મુકેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને આરોપી બનાવી ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યાં બીજી બાજુ અનેક વર્તમાન અને પૂર્વ અધિકારીઓની સતત પૂછપરછ કરાઈ રહી છે અને તે પૈકી અમુક અધિકારીઓની ધરપકડ પણ તોળાઈ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયા, બે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી લેવાઈ છે. આરોપીઓએ ગેમઝોનના સંચાલકોને નોટિસ ફટકારી હતી, પરંતુ કોઇ કાર્યવાહી નહીં કરતાં અગ્નિકાંડ સર્જાયો હતો. અન્ય વિભાગના અધિકારીઓની પણ આગામી કલાકોમાં ધરપકડ થવાના અણસાર છે. અગ્નિકાંડમાં મોતનું તાંડવ સર્જાતા રાજ્યભરમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. રાજ્ય સરકારે સીટની રચના કરી હતી જે સીટે પ્રાથમિક રિપોર્ટ આપ્યા બાદ ગુનાની તપાસ ચલાવી રહેલી સ્થાનિક સીટ હરકતમાં આવી હતી.
બુધવારે સવારે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાને ક્રાઇમ બ્રાંચની ટીમે મહાનગરપાલિકામાં ચાલુ મિટિંગે ઉઠાવી લીધો હતો. ત્યારબાદ બે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને ઉઠાવી લેવાયા હતા. 24 કલાકની પૂછપરછ અને જરૂરી પુરાવા હાથવગા થતાં પોલીસે ઉપરોક્ત ચારેયની ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નાનામવામાં ચારથી વધુ વર્ષથી ટીઆરપી ગેમ ઝોન શરૂ થયો હતો. એપ્રિલ 2023માં ગેમ ઝોનમાં ગેરકાયદે બાંધકામ અંગે એટીપીઓ મુકેશ મકવાણાએ ગેમ ઝોનના સંચાલકોને નોટિસ ફટકારી હતી. બે મહિના બાદ જૂન 2023માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા અને ડિમોલિશન માટે સંચાલકોને ટીપીઓ સાગઠિયા અને એટીપીઓ મકવાણાએ નોટિસ આપી હતી જોકે ત્યારબાદ બંનેએ કોઇ કાર્યવાહી કરી નહોતી અને મકવાણાની જગ્યાએ એટીપીઓ ગૌતમ જોષી ફરજ પર હતા અને તેમણે પણ કોઇ કાર્યવાહી નહીં કરીને ગંભીર બેદરકારી દાખવી હતી.
બે પીઆઈની પૂછપરછનો ધમધમાટ અનેક પર તોળાતું ‘સંકટ’
સમગ્ર મામલામાં અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા બે પીઆઈની હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ કરાઈ રહી છે. જેમાં અગાઉ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા પીઆઈ જે વી ધોળા અને તાલુકા પોલીસ તેમજ લાયસન્સ શાખાના પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા પીઆઈ વી એસ વણઝારાને સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે સમન્સ મળ્યા બાદ રાજકોટ પોલીસ સીઆઈડી ક્રાઇમની કચેરીથી રાજકોટ લઇ આવી છે તેમજ પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. મહત્વપૂર્ણ બાબત છે કે, સમગ્ર મામલામાં અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા વધુ બે પીઆઈની પૂછપરછ થઇ શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે અને હાલના પીઆઈને પણ સંભવત: પૂછપરછનું નોતરું મળી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે.
એસીબીની પાંચ ટીમોની કાર્યવાહી : સાગઠિયા અને ઠેબાના ઘર-ઓફિસ પર એસીબી ત્રાટકી
ટીઆરપી અગ્નિકાંડમાં ગુનાના કામ માટે રોકાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ થઈ એટલે તુરંત જ એસીબી દોડતી થઈ હતી અને મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ તેમજ ચારેય અધિકારીની ઘરે તપાસ માટે ત્રાટકી હતી. એસીબીની સાથે ક્રાઈમ બ્રાન્ચનો પણ સ્ટાફ હતો.
એસીબીએ પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, તત્કાલીન એટીપીઓ મુકેશ મકવાણા અને સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની મોડી સાંજે ધરપકડ કરી હતી. ધરપકડ થતાં જ એસીબીની ટીમ સીટ સાથે જોડાઈને મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ત્રાટકી હતી. પાંચ ટીમે સૌથી પહેલાં એમ.ડી. સાગઠિયાની ચેમ્બર ખોલાવી હતી અને ત્યાં તપાસ કરીને ફાઈલોના થપ્પા ઉથલાવ્યા હતા. ત્યારબાદ ફાયર શાખાની કચેરીમાં પણ તપાસ કરી હતી. રાત્રીના સમયે મનપા કચેરીએ એસીબી પહોંચી હોય તેવો પણ આ પહેલો બનાવ હતો.
સાગઠિયાની ચેમ્બર પ્રથમ માળે સૌથી છેલ્લે ખૂણામાં હતી તેથી લોબીમાં બેરિકેડિંગ કરી દેવાયું હતું. રાત્રે 10 વાગ્યા આસપાસ ત્યાંથી ચાર ટીમ રવાના થઈ હતી અને ચારેય અધિકારીના ઘરે તપાસ કરવા પહોંચી હતી. એમ.ડી. સાગઠિયાના ઘરે ટીમ ગઈ હતી અને ત્યાં પણ તપાસ કરીને કાગળો ઉથલાવ્યા હતા. રાત્રે 11 વાગ્યે એસીબીની ટીમે તપાસ પૂરી કરી હતી અને ત્યાંથી અધિકારીઓ રવાના થયા હતા. ટૂંક સમયમાં તે તપાસની માહિતી જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયાની ધરપકડ કરી ત્યારબાદ એસીબીની ટીમની સાથે સાગઠિયાને લઈને જ તેના ઘરની તપાસ કરવામાં આવી હતી જેથી ત્યાં કોઇ દસ્તાવેજ કે પછી દલ્લો મળે તો ત્યાં જ તેની પૂછપરછ એસીબી કરી શકે છે.
અધિકારીઓની ધરપકડ બાદ ફરિયાદમાં ઉમેરાયેલી આઈપીએસ કલમ 36 શું છે?
મનપાના ચાર અધિકારીઓની ધરપકડ બાદ અગ્નિકાંડની એફઆઈઆરમાં આઈપીસીની કલમ 36નો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે આ કલમની જો વાત કરવામાં આવે તો કોઈપણ કૃત્યની અવગણના કરવી અથવા તેના કારણે અસર થાય કે કોઈ ચોક્કસ અસરનું કારણ બને કે પછી તે અસર લાવવાનો પ્રયાસ, કોઈ કૃત્ય કરી અવગણના કરવામાં આવે તો આઈપીસી 36 મુજબ ગુનો નોંધાવામાં આવે છે.