શાપરમાં કારખાનામાં ધૂસી ટોળાનો આતંક: કારખાનેદાર સહિત સાતને માર માર્યો, Sકારખાના અને કારમાં તોડફોડ કરતા લાખોનું નુકશાન
ધંધાકીય હરીફાઇમાં માથાકૂટ કર્યાનો કારખાનેદારને આક્ષેપ
અબતક રાજકોટ
શાપરમાં કેએસએન ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં 20 જેટલા શખ્સોના ટોળાએ ગઇ કાલે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. એક શખ્સને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી સાથે ઘસી આવી કારખાનેદાર અને ત્યાં કામ કરતા લોકોને માર મારી કારખાનામાં અને કારમાં તોડફોડ કરી લાખોનું નુકસાન કર્યાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને શાપરમાં કે.એસ.એન. ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ધરાવતા કૈલાશભાઈ રામસુમીરન શુક્લા નામના 49 વર્ષના આધેડ પર જયેશ ગજેરા, પરેશ ગજેરા અને પાર્થ ગજેરા સહિતના 20 શખ્સોના ટોળાએ લાકડી ધોકા વડે કારખાનામાં આવી હુમલો કરી તોડફોડ કરી હોવાનુ પોલીસ ચોપડે નોંધાયું છે.
વધુ મળતી માહિતી મુજબ ગઇ કાલે જયેશ ગજેરા કારખાનામાં કારીગરોને ગાળો દેતો હોય જે બાબતે કારખાનેદાર કૈલાશભાઇ શુક્લાએ જયેશના ભાઈ પરેશ ગજેરાને જાણ કરતા પરેશ 20 જેટલા શખ્સોને લઈ કારખાને દોડી આવ્યો હતો.
કૈલાશભાઈ કઈ સમજે તે પહેલા જ પરેશ ગજેરા, જયેશ ગજેરા અને પાર્થ ગજેરાએ ધોકાવાડી કરી હતી. જેમાં કૈલાશ ભાઈ, તેમના માણસો આમિર રૂસ્તમ ખાન, સોનાલી સહિત સાતેક લોકોને બેફામ માર માર્યો હતો અને કાર તથા કારખાનામાં તોડફોડ કરી અંદાજિત રૂ.10 લાખનું નુકસાન કર્યાનું કારખાનેદારે જણાવ્યું હતું.
આ અંગે કારખાનેદારે જણાવ્યું હતું કે જયેશ ગજેરા અને પોતે મિત્રો હોય પરંતુ ધંધાકીય હરીફાઇમાં ઝઘડો કરી કારખાનેદાર અને માણસોને માર મારી તોડફોડ કરી હતી.