થર્ડપાર્ટી એપ સ્ટોર પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરવાનું ટાળો
એન્ડ્રોઈડ સ્માર્ટફોન હાલ ‘એજન્ટ સ્મિથ’ માલવેરનો શિકાર બની રહ્યા હોવાનો ખુલાસો થયો છે. ઈઝરાયેલની સાયબર સિક્યોરિટી કંપની ‘ચેક પોઈન્ટ’એ આ સંદર્ભે કહ્યું છે કે, આ વાયરસ વિકાસશીલ દેશોનાં યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યો છે.
Agent Smith નામના આ મેલવેરથી વિશ્વભરમાં 25 મિલિયન એન્ડ્રોઈડ સ્માર્ટફોન પ્રભાવિત થયા છે. ભારતમાં માલવેરથી સૌથી વધુ એન્ડ્રોઈડ ફોન પ્રભાવિત થયા છે.
ચેક પોઈન્ટના અહેવાલ મુજબ એજન્ટ સ્મિથ નામનો આ માલવેર ડિવાઈસને સરળતાથી એક્સેસ કરી શકે છે. તે યુઝર્સને આર્થિક પ્રલોભનવાળી જાહેરાતો બતાવે છે, જેનો ઉપયોગ યુઝર્સની બેંકિંગ ડિટેઈલ્સ ચોરી કરવામાં થઈ શકે છે. આ માલવેર અન્ય માલવેર્સ Gooligan, Hummingbad અને CopyCat સાથે મળતો આવે છે.
માલવેર શું છે?
માલવેર એક એવું સોફ્ટવેર છે જે વાયરસની માફક કામ કરે છે. એટલે કે તે યુઝરની જાણ બહાર ફોનમાં ઈન્સ્ટોલ થઈને યુઝર્સના ડેટા ઉપર નજર રાખે છે. તે ઈન્ટરનેટની કોઈ એપ્લિકેશન થકી કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં પ્રવેશે છે. ત્યારબાદ યુઝર્સના પર્સનલ ડેટા જેવા કે કોન્ટેક્ટ લિસ્ટ, મેસેજ, બેંક ડિટેઈલ્સ, લોગઈન આઈડી-પાસવર્ડ જેવી સંવેદનશીલ વિગતો જાણીને તેને લીક કરીને ચોરી કરી શકે છે.