ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યલક્ષી સહાય મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા મા અમૃતમ યોજના અમલમાં મુકવામાં આવી છે જેના કાર્ડ કઢાવવામાં એજન્ટરાજ પ્રથા ચાલી રહી છે. મોટાભાગના કેન્દ્રો પર અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.
આ અંગે મહાપાલિકાના વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું છે કે, સ્થળે કાર્ડ કાઢી આપવા માટે કીટ સાથેની જે ટીમ બેસાડવામાં આવે છે તેના દ્વારા દરરોજના માત્ર ૧૫ ફોર્મ જ સ્વિકારવામાં આવે છે. બાકીના અરજદારોને ધરમના ધકકા થાય છે. ફોર્મ સ્વિકારવાના વારા માટે ૧ થી ૧૫માં પોતાનો નંબર આવી જાય તે માટે અરજદારો વહેલી સવારે ૪ વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જાય છે. બિમાર, વૃદ્ધો, મહિલાઓ માટે આ પ્રક્રિયા ખુબ જ કંટાળાજનક અને ત્રાસદાયક રહે છે.
ઉપરાંત આવી સ્થિતિના કારણે અમુક જગ્યાએ એજન્ટો પણ ફુટી નિકળ્યા છે જેઓ ૧૦૦-૧૫૦ ‚પિયા લઈને વહેલો વારો લેવડાવી આપે છે. દા.ત.સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળના મનપાના દવાખાના પાસે આવા એજન્ટોના ધામા હોય છે અને એજન્ટના સંપર્ક વિના અરજદારોને કામ કરાવવા ધોળે દિવસે તારા દેખાઈ જાય છે. આ અંગે તાત્કાલિક તપાસ કરાવી યોગ્ય વ્યવસ્થા કરવા વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાએ કમિશનરને રજુઆત કરેલ છે.