નિયત કરાયેલા કિલોમીટર, બિલની ચુકવણુંમાં વિલંબ, બોનસની જોગવાઇનો ભંગ અને આકરા દંડ સહિતના મુદ્ે મારૂતિ ટ્રાવેલ્સે 1 મેથી શહેરમાં સિટી બસ સેવા બંધ કરી દેવા કોર્પોરેશનને આપી આખરી નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા આગામી સોમવારથી બંધ થઇ જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. અલગ-અલગ ચાર કારણોસર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સ દ્વારા આગામી 1 મે થી સિટી બસ સેવા બંધ કરી દેવા માટે કોર્પોરેશનને આખરી નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં સિટી બસ સેવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની મારૂતિ ટ્રાવેલ્સ નામની એજન્સીને આપવામાં આવ્યો છે. જેની સાત વર્ષની મુદ્ત ગત 14 જાન્યુઆરી, 2022ના રોજ પૂર્ણ થઇ ગઇ છે. છતાં કોર્પોરેશન દ્વારા એક તરફી નિર્ણય લઇ બસ સર્વિસની મુદ્ત 31 જુલાઇ, 2023 સુધી વધારી દેવામાં આવી છે. અગાઉ બે વખત મારૂતિ ટ્રાવેલ્સ દ્વારા કોર્પોરેશનને નોટિસ ફટકારવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ત્રીજી અને આખરી નોટિસ આપવામાં આવી છે. જેમાં આગામી 1 મે થી શહેરમાં સિટી બસ સેવા બંધ કરી દેવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
તેઓએ વિવિધ ચાર કારણો રજૂ કર્યા છે. જેમાં ટેન્ડરની શરત મુજબ વાર્ષિક એસ્યોડ કિલોમીટરની જોગવાઇ કરવામાં આવી છે. વર્ષ-2020-2021 અને 2021-2022માં લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિના કારણે સિટી બસ બંધ રાખવામાં આવી હતી. સરકારે કર્મચારીઓને વેતન આપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે એજન્સી દ્વારા કર્મચારીઓને નિયત વેતન ચૂકવવામાં આવ્યું હતું. એશ્યોડ કિલોમીટરની ગણતરી કરી 17 એપ્રિલ, 2021ના રોજ એજન્સી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેનું હજુ સુધી ચુકવણું કરવામાં આવ્યું નથી. જેમાં ટેન્ડરની શરતનો ભંગ થઇ રહ્યો છે.
આ ઉપરાંત ટેન્ડરમાં એવી પણ જોગવાઇ રાખવામાં આવી હતી કે વાર્ષિક પરર્ફોમન્સના આધારે બોનસ બિલની ચુકવણી કરવામાં આવશે. ઓક્ટોબર, 2013 થી માર્ચ 2021 સુધીના બોનસની ગણતરી કરી બિલ રજૂ કરવામાં આવ્યું છે. અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઇને કોઇ કારણો આપી બિલની રકમ ચૂકવવામાં આવતી નથી. મહિનાના અંતે રજૂ કરવામાં આવતા બિલની ચુકવણી 15 દિવસમાં કરી દેવી તેવી ટેન્ડરમાં શરત છે છતાં આજ સુધી એકપણ બિલની ચુકવણી સમયસર કરવામાં આવ્યું નથી.
અનિયમિત ચુકવણાના કારણે બસ મરામત, નિભાવ ખર્ચ, ઇંધણ, કર્મચારીઓના વેતન, બસના વિમા, ઓફિસ ખર્ચ સહિતના અન્ય પરચૂરણ ખર્ચ સમયસર કરી શકાતા નથી અને આર્થિક નુકશાની વેઠવી પડે છે. આટલું જ નહિં છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ પોતાના વ્યક્તિગત અહંમ કે અન્ય કારણોસર બિન જરૂરી પેનલ્ટી ફટકારે છે. સિટી બસનો સાત વર્ષનો કોન્ટ્રાક્ટ ગત 14 જાન્યુઆરી, 2022ના રોજ પૂર્ણ થઇ ગયો છે. પરસ્પર સમજૂતી કરીને કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના બદલે કોર્પોરેશને પોતાની શાખનું ધોવાણ ન થાય તે માટે કોન્ટ્રાક્ટ લંબાવી દીધો છે. આગામી સોમવાર અર્થાત 1 મે થી સિટી બસ સેવા બંધ કરી દેવા નોટિસ આપવામાં આવી છે. જો ચાર દિવસમાં સમાધાન નહિં થાય તો રાજકોટવાસીઓ પાસેથી આગામી સોમવારે સિટી બસ સેવા છીનવાઇ જશે.