- 40 વર્ષની વય મર્યાદા ધરાવતા કાર્યકરને વોર્ડ પ્રમુખ બનાવવાના નિયમથી એકપણ વોર્ડમાં યોગ્ય ચહેરો મળતા નથી: સંગઠનમાં હોદ્ો હશે તે કોર્પોરેશનની ચૂંટણી નહિં લડી શકે તેવા નિયમથી પણ કાર્યકરોમાં નારાજગી
ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વોર્ડ અને તાલુકાઓમાં નવા પ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી 7 અને 8 ડિસેમ્બરના રોજ વોર્ડ પ્રમુખ માટે ઉમેદવારી પત્રો પણ સ્વિકારવામાં આવનાર છે. વોર્ડ પ્રમુખની વરણીમાં હાઇકમાન્ડ દ્વારા વય મર્યાદાનું બાંધણું કરવામાં આવતા કમળમાં કકળાટ વ્યાપી જવા પામ્યો છે. 40 વર્ષની ઉંમર ધરાવતા કાર્યકરને જ વોર્ડ પ્રમુખ બનાવવા તેવા નિયમના કારણે હાલ શહેરના 18 પૈકી એકપણ વોર્ડમાં ભાજપને યોગ્ય ચહેરો મળતો નથી. બીજી તરફ 45 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા કાર્યકરને જો નાછૂટકે પ્રમુખ બનાવવો પડે તો તેના માટે ઘણા ખુલાસા સાથે પ્રદેશ હાઇકમાન્ડ પાસેથી ખુલાસા માંગવા પડે છે. જેના કારણે નેતાઓ પણ મુંઝવણમાં મુકાઇ ગયા છે.
ભાજપ દ્વારા સંગઠન માળખાની રચના કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ અને તાલુકા પ્રમુખ માટે 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આટલું જ નહિં જે વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પ્રતિનિધિ હોય તે વોર્ડ પ્રમુખ માટે ઉમેદવારી કરી શકશે નહિં. સાથોસાથ જે વોર્ડ પ્રમુખ બનશે તે કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ટિકિટની પણ માંગણી કરી શકશે નહિં. સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ 25 વર્ષ બાદ રાજકારણમાં આવતો હોય છે અને બે દાયકા બાદ પરિપક્વતા હાંસલ કરતો હોય છે. આવામાં વોર્ડ પ્રમુખ પદ માટે જે 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેનાથી કમળમાં ભારે કકળાટ વ્યાપી જવા પામ્યો છે. હાલ એકપણ વોર્ડમાંથી યોગ્ય ચહેરો મળતો નથી કે જે સંગઠનમાં લોહી રેડી કામ કરી શકે. બીજી તરફ વર્ષોથી જે લોકો સંગઠન માળખાને મજબૂત કરવા માટે કાળી મજૂરી કરી રહ્યા છે. તે એક ઝાટકે સાઇડ લાઇન થઇ જશે. પક્ષના વડિલોએ કોઇપણ સામાન્ય કામ માટે પણ વોર્ડ પ્રમુખ જે છોકરડા જેવા હશે તેને આજીજી કરવી પડશે. ટૂંકમાં અનુભવીઓ અને જૂના જોગીઓને સાઇડ લાઇન કરી ભાજપ નવી પેઢી અને યુવાનોને સંગઠનનો કાર્યભાર સોંપી દેવા ઇચ્છી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 40 વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિમાં સંગઠન ચલાવવાની તાકાત ખૂબ જ ઓછી હોય છે. સાથોસાથ પરિપક્વતા પણ અનુભવીઓની સરખામણીએ ઓછી હોવાના કારણે પક્ષને નુકશાની જવાની પણ ભારોભાર દહેશત જણાઇ રહી છે.
વોર્ડ પ્રમુખ બનનાર વ્યક્તિ કે તેના પરિવારના કોઇપણ સભ્ય કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપની ટિકિટની માંગણી કરી શકશે નહિં. આ નિયમ સૌથી વધુ પેચીદો માનવામાં આવે છે. કારણ કે રાજકારણમાં આવનાર દરેક વ્યક્તિનું અંતિમ ધ્યેય ચૂંટણી લડી નેતા બનવાનો હોય છે. શનિવારથી વોર્ડ પ્રમુખ માટે ભાજપ દ્વારા ઉમેદવારી પત્ર સ્વિકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. પરંતુ હાલ શહેરના 18 પૈકી એકપણ વોર્ડમાં સમ ખાવા પૂરતો ભાજપને એકપણ એવો યુવા ચહેરો મળ્યો નથી કે જે ખરેખર વોર્ડ પ્રમુખની જવાબદારી આગામી ત્રણ વર્ષ સુધી નિભાવી શકે અને તેના નેતૃત્વમાં વોર્ડમાં ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને. જો કોઇ કિસ્સામાં 40 વર્ષથી વધુ વય ધરાવતા વ્યક્તિને વોર્ડના પ્રમુખ બનાવવા પડે તેમ હોય તો તેમાં પણ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ રાખવામાં આવી છે અને આવા કિસ્સામાં પ્રદેશ ભાજપની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે. જેમાં અનેક ખુલાસાઓ પૂછવામાં આવી રહ્યા છે. સંગઠન માળખાની રચના ખરેખર પહેલા પ્રદેશ પ્રમુખની નિયુક્તી કરીને ત્યારબાદ વોર્ડ કે તાલુકા પ્રમુખની નિયુક્તી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ભાજપે ઉંધેથી શરૂઆત કરી છે. સૌ પ્રથમ બૂથ સમિતિની રચના કર્યા બાદ હવે વોર્ડ અને તાલુકા ત્યારબાદ જિલ્લા અને મહાનગરો અને સૌથી છેલ્લે પ્રદેશ પ્રમુખની નિમણુંક કરાશે. જે વાસ્તવમાં તદ્ન ખોટી હોવાનું મનાઇ રહ્યું છે.
ચૂંટણી અધિકારી માયાબેન કોડનાનીએ સંગઠનના તમામ હોદ્ેદારોએ ‘પૂર્વ’ બનાવી દીધા…!!!
ભાજપ દ્વારા સંગઠન માળખાની રચના કરવાની કામગીરી હાલ જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટેની એક કાર્યશાળા યોજાઇ હતી. જેમાં રાજકોટ મહાનગરના ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાનીએ શહેર ભાજપના વર્તમાન તમામ હોદ્ેદારોને પૂર્વ ગણાવી દેતા ભારે આશ્ર્ચર્ય ફેલાઇ જવા પામ્યું છે. કાર્યશાળામાં સંબોધન દરમિયાન તેઓએ એવા શબ્દો કહ્યા હતા કે હવે નવા સંગઠન માળખાની રચના કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે. એટલે હાલ વોર્ડથી શહેર ભાજપના સંગઠન માળખામાં સ્થાન ધરાવતા તમામ હોદ્ેદારો આપોઆપ પૂર્વ બની જાય છે. તેઓના આ નિવેદનથી સન્નાટો છવાઇ ગયો હતો. વાસ્તવમાં નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી જુનું સંગઠન માળખું યથાવત રહેતું હોય છે. પરંતુ ચૂંટણી અધિકારી માયાબેન કોડનાનીના શબ્દોથી કેટલાક લોકોએ નવા-નવા અર્થઘટન કરવાનું શરૂ કરી દીધું છે.