રાજ્યની 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા ખેલ સહાયકની નિમણૂક કરાશે
રાજ્યની 300 કે તેથી વધુ સંખ્યા ધરાવતી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા ખેલ સહાયકની નિમણૂક કરાશે. જોકે, ખેલ સહાયક બનવા માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષની નક્કી કરવામાં આવી હતી. પરંતુ અનેક રજૂઆતો બાદ સરકારે તેમાં સુધારો કરીને મહત્તમ વયમર્યાદા 38 વર્ષ કરી છે. આ નિર્ણયને પગલે ફોર્મ ભરવાની મુદ્દત પણ 9 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની જેમ ખેલ સહાયકની પણ નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાં ખેલ અભિરૂચી કસોટીમાં પાસ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ મળીને 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂક મેળવેલા ઉમેદવારોને રૂ. 21 હજાર ઉચ્ચક માનદ વેતન અપાશે.
20 ઓગસ્ટે લેવાનારી ખેલ અભિરૂચી કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 19 જુલાઈથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 4 ઓગસ્ટ સુધી ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવી શકે તેવી સૂચના અપાઈ હતી. આમ, શુક્રવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જોકે, હવે શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક માટેની વયમર્યાદામાં વધારો કરાયો છે તેને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કર્યો છે. જે મુજબ હવે ઉમેદવારો 9 ઓગસ્ટ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે અને 10 ઓગસ્ટ સુધીમાં નેટ બેકિંગ મારફતે ફી ભરી શકશે.