કચ્છના નાના રણમાં થતી ખનીજ ચોરીને લઈ હાઈકોર્ટમાં રીટ પીટીશન થતા કોર્ટે અભ્યારણ્ય સહિત તમામ વિભાગોને નોટિસ પાઠવી હતી. ત્યારબાદ વનવિભાગ દ્વારા કચ્છના નાના રણમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના કારણે અહીં મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી બની છે. આઠ મહિનાની મહેનત બાદ રણમાં મીઠું તૈયાર થઈ ગયું છે ત્યારે જ વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાગી જતા હવે મીઠું બહાર કઈ રીતે લઈ જવું તેને લઈ અગરિયાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અગરિયા દ્વારા એક વીડિયો વાઈરલ કરી સ્થાનિક ધારાસભ્યોને આગળ આવવા અપીલ કરી છે.
એક અગરિયા દ્વારા મીઠાના અગરમાં હાથમાં મીઠુ રાખી વીડિયો બનાવ્યો છે. જે હાલ વાઈરલ થયો છે. જેમાં અગરિયો કહી રહ્યો છે કે અમે આ મીઠું પકાવી રહ્યા છીએ શું અમે ભૂમાફિયા છીએ? કેટલાક તત્વો તેઓને ખોરી રીતે ચિતરતા હોવાની વીડિયોમાં રજૂઆત કરી છે. અને પોતાની રોજીરોટી પર લત ન મારવા અપીલ કરી છે.
રણમાંથી મીઠું બહાર લઈ જવા દેવા માગ
બીજી તરફ દસાડાના ધારાસભ્ય ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યોએ ગુજરાત સરકારને મીઠું પકવતા અગરિયાઓની વેદના વર્ણવી તૈયાર મીઠું રણ બહાર લાવવા માટે વાહનો જરૂરી હોય તે અંગે છૂટ આપવા માંગ કરી હતી. પરંતુ વનવિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા હિટાચી લોડર જેવા મશીન લઈ જવા દેવાની સદંતર મનાઈ કરી દેતા અગરિયાઓને મોઢે આવેલો કોળિયો ઝુંટવાઈ રહ્યો હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.