અમરેલી 40.8 ડિગ્રી, અમદાવાદ 40.5 ડિગ્રી અને રાજકોટ 40.3 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીમાં શેકાયા: ચૈત્રી દનૈયામાં સુર્ય નારાયણ લાલઘુમ
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વારંવાર વાતાવરણમાં પલટો નોંધાય રહ્યો છે. કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ચૈત્રી દનૈયાનો આરંભ થયો છે. ત્યારથી સુર્યનારાયણ પણ લાલઘુમ બનાવી આકાશમાંથી અગ્ની વર્ષા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આકરા તાપ પડી રહ્યા છે જેના કારણે જનજીવન રિતસર ત્રાહિમામ પોકારી ગયું છે. સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ચાર શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો હતો. આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. ગરમી સાથે બફારાઓ પણ અનુભવ થઇ રહ્યો છે. આજે સવારના સમયે રાજકોટમાં વાતાવરણમાં થોડી ઘુમ્મસ જોવા મળી હતી.
આ વર્ષ ઉનાળાની સિઝનમાં રેકોર્ડ બ્રેક ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ઉચ્ચારવામાં આવી હતી. જેને જાણે સૂર્યનારાયણ સમર્થન આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એપ્રીલના પ્રથમ પખવાડીયામાં પારો 41 ડિગ્રીને પાર થઇ ગયો છે. મે માસમાં સૂર્યનારાયણ વધુ આક્રમક બનશે. રવિવારે રાજયના ચાર શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને ઓળંગી ગયો હતો. સુરેન્દ્રનગર 41.3 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય બે શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રી થી વધુ નોંધાયું હતું. અમરેલીનું તાપમાન 40.8 ડિગ્રી અને રાજકોટનું તાપમાન 40.3 ડિગ્રી રહેવા પામ્યું હતું.
આ ઉપરાંત ભાવનગરનું તાપમાન 37 ડિગ્રી, કેશોદનું તાપમાન 38 ડિગ્રી, વેરાવળનું તાપમાન 32.2 ડિગ્રી, ઓખાનું તાપમાન 32 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 33 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 40.5 ડિગ્રી, ડિસાનું તાપમાન 37.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 39.5 ડિગ્રી, વલ્લ વિઘાનગરનું તાપમાન 38.1 ડિગ્રી, વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી, સુરતનુ: તાપમાન 37.2 ડિગ્રી, ભુજનું તાપમાન 37.7 ડિગ્રી, નલીયાનું તાપમાન 34.6 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં રવિવારે આકાશમાંથી અગની વર્ષા થવાના કારણે રજાના દિવસે પણ રાજમાર્ગો પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળતો હતો. બપોરના સમયે રોડ, રસ્તા, સુમસામ ભાસતા હતા બપોરે આકરી ગરમીનો અનુભવ થયો હતો જયારે રાત્રીના સમયે ઉકળાટ અનુભવાતો હતો આજે સવારે પણ બફારાનો અહેસાસ થઇ રહ્યો છે. સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહેવા પામ્યું હતું. શહેરના અમુક વિસ્તારોમાં ઘુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. હવે ક્રમશ: ગરમીનું જોર સતત વધતું રહેશે.