*સર્વે અને માર્કિંગ મુજબ મિલકતો કપાશે તો ૮૦ ટકા જંગલેશ્વર સાફ થઈ જશે: રજુઆત કરવા કોર્પોરેશન કચેરીએ ટોળુ ધસી આવ્યું
મહાપાલિકાના મહત્વકાંક્ષી આજી રિવરફ્રન્ટ પ્રોજેકટને સાકાર કરવા માટે મિલકતો કપાતમાં લેવા માટે હાલ સર્વે અને માર્કિંગની કામગીરી ચાલી રહી છે જેની સામે જંગલેશ્વરવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આજે રજુઆત કરવા માટે ટોળું રૂબરૂ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને કપાત માટે નવેસરથી સર્વે કરવા અને કપાતના અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માટેની રજુઆત કરી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના મધ્યમાંથી પસાર થતી અને ૧૧ કિલોમીટરની લંબાઈ ધરાવતી આજી નદીમાં રિવરફ્રન્ટ પ્રોજેકટ સાકાર કરવા માટે મહાપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટ માટે મિલકત કપાતમાં લેવા માટે સર્વે અને માર્કિંગની કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન વોર્ડ નં.૧૬માં જંગલેશ્વર વિસ્તારમાં ૩૧૮ મકાનના સર્વે બાદ સ્થાનિકોએ કામગીરી અટકાવી દીધી હતી અને આજે રાજકોટ શહેર કોંગ્રેસ લઘુમતિ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ જંગલેશ્વરવાસીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીને ઉગ્ર રજુઆત કરી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ માટે હાલ સર્વે અને માર્કિંગની કામગીરી ચાલી રહી છે જેની સામે અમારો વિરોધ છે જો સર્વે મુજબ મિલકત કપાત કરવામાં આવશે તો જંગલેશ્વરરનો ૮૦ ટકા વિસ્તાર સાફ થઈ જશે. ૧૯૯૭માં જયારે પ્રથમવાર સર્વે કરવામાં આવ્યો તે યોગ્ય હતો ત્યારબાદ કરવામાં આવેલા અલગ-અલગ ૩ સર્વેમાં ખુબ જ ક્ષતિ છે. હાલ જે સર્વે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે તેમાં કારખાના વિસ્તારમાં કોઈ કપાત આવતી નથી જયારે રહેણાંક વિસ્તારમાં મોટાપ્રમાણમાં મિલકતો કપાઈ છે.
સોરઠીયા વાડી બ્રીજથી આજીડેમ પાસેના રીંગ રોડ સુધીમાં ૧૦૦૦ થી વધુ મિલકતો કપાઈ છે. જેની સામે અમારો વિરોધ છે. રિવરફ્રન્ટમાં બંને સાઈડ ૮૦ ફુટના રોડ મુકવામાં આવશે તેવું કહેવામાં આવે છે છતાં ૫૦૦ ફુટ સુધી મિલકતોને કપાતમાં લેવામાં આવી છે. આટલું જ નહીં કપાતના અસરગ્રસ્તોને પણ વળતર ચુકવવા માટે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. દરેક અસરગ્રસ્તને ઘર દીઠ નહીં પરંતુ વ્યકિતદીઠ વળતર ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. સાથો સાથ નવેસરથી સર્વે કરાય અને ત્યારબાદ મિલકત કપાત અંગે નિર્ણય લેવામાં આવે તેવા મતલબની પણ રજુઆત કરવામાં આવી છે.