ભારે વરસાદ અને હાઇવેની ખરાબ હાલતને જોતા યાત્રાળુંઓની નવી ટુકડીને જમ્મુ ખાતે જ રોકી દેવાઈ
ખરાબ હવામાન અને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેની ખરાબ હાલતને કારણે ગઈકાલથી જમ્મુ ખાતેથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.
જમ્મુથી બેઝ કેમ્પ તરફ કોઈ નવી બેચને જવા દેવામાં આવી નથી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, રામબન જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને પગલે ભૂસ્ખલન અને પથ્થર પડવાના કારણે બંધ કરવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ગુરુવારે રાત્રે એક તરફી વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો હતો.
યાત્રા પ્રબંધન સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, “હાઈવેની ખરાબ હાલત અને ખરાબ હવામાનને જોતા જમ્મુથી અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.”આ પહેલા 10 અને 11 જુલાઈએ પણ ખરાબ હવામાનને કારણે જમ્મુથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાઈવે પર સંપૂર્ણ ગતિવિધિ ફરી શરૂ થવાની સ્થિતિમાં, જમ્મુથી ફરી એકવાર સાંજથી મુસાફરીની મંજૂરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે 43 દિવસની યાત્રા 30 જૂનના રોજ શરૂ થઈ હતી. 11 ઓગસ્ટે રક્ષાબંધનના અવસર પર તેની પૂર્ણાહુતિ થશે.
તે જ સમયે ચંદ્રકોટ ખાતે રોકાયેલી યાત્રાને આગળ પહલગામ અને બાલતાલ મોકલવામાં આવી હતી. બાલતાલ અને પહેલગામ પહોંચનારી યાત્રાને શનિવારે ફ્લેગ ઓફ કરવામાં આવશે. બાલતાલ અને પહેલગામમાં પહેલાથી જ પહોંચી ગયેલા ભક્તોને પવિત્ર ગુફામાં મોકલવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં લગભગ 2.25 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચુક્યા છે. યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં સતત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના ખૂણે-ખૂણેથી હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ પહોંચી રહ્યા છે. હાલનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સેંકડો ભક્તો પણ દર્શન કરવા જઈ રહ્યા છે.