કપાસની સાથે અફિણનું વાવેતર કર્યાની કોળી શખ્સની કબુલાત: રૂ.૨.૬૧ લાખની કિંમતનું ૫૨૨ કિલો લીલા અફિણના છોડ કબ્જે
રાજકોટ જિલ્લાના શાપર અને જેતપુર બાદ જસદણ પંથકમાં પણ નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાથી એસઓજી સ્ટાફે બાતમીદારોને કામ લગાડી જસદણના કોઠી ગામે કોળી શખ્સે કરેલા અફિણનું વાવેતર પકડી રૂ.૨.૬૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના કોઠી ગામના દેહા મનજી સાસકીયા નામના કોળી શખ્સે પોતાના ખેતરમાં કપાસની સાથે અફિણનું વાવેતર કર્યાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગ દર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. વી.એમ.લગારીયા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, વિજયભાઇ ચાડવા અને ધમેન્દ્રભાઇ ચાવડા સહિતના સ્ટાફે કોઠી ગામે મોડીરાતે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન કપાસની સાથે દેહા મનજી સાસકીયો અફિણનું વાવેતર કર્યાનું જોવા મળ્યું હતું. કપાસ ઉપડી ગયો હતો જ્યારે અફિણના છોડ ખેતરમાં હોવાથી દેહા મનજી કોળીની ધરપકડ કરી રૂ.૨.૬૧ લાખની કિંમતના ૫૨૨ કિલો અફિણના લીલા છોડ કબ્જે કર્યા હતા.
દેહા મનજી કોળીએ ત્રણ માસ પહેલાં અફિણનું વાવેતર કર્યુ હોવાની કબુલાત આપી છે. પોતે અફિણનો બંધાણી હોવાથી વાવેતર કર્યાની કબુલાત આપી છે. પોતાના માટે અફિણ વાવ્યું છે કે વેચાણ કરવા માટે વાવ્યું અને કયાં વેચાણ કરવાનો હતો તે અંગેની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.