ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેશર, દક્ષિણ-પશ્ર્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયકલોનીક સરકયુલેશનની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં બારેમેઘ ખાંગા થવાની સંભાવના: સવારથી મેઘાડંબર
ગુજરાત પર વાદળોનો જમાવડો: એક સપ્તાહ વરસાદ ચાલુ રહેશે: રાજયના ૩૧ જિલ્લાનાં ૧૫૬ તાલુકાઓમાં વરસાદ
એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બપોરબાદ સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર ઉતરે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમીધારે વરસાદ પડવાનું પણ શ‚ થઈ ગયું છે. અમૂક સ્થળોએ અતિભારે વરસાદની પણ પ્રબળ સંભાવના રહેલી છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ઉત્તર મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા પૂર્વ ઉત્તરપ્રદેશમાં વેલમાર્ક લો-પ્રેશર સાથે અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રિય છે જે દરિયાઈ સપાટીથી ૭.૬ કિ.મી. ઉંચાઈ પર છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ર્ચિમ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા દક્ષિણ પાકિસ્તાનમાં દરિયાઈ સપાટીથી ૧૫ કિ.મી.ની ઉંચાઈ પર અપરએર સાયકલોનીક સરકયુલેશન સક્રિય છે. જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાનું શરુ થશે.
આજે ગુજરાત, દમન, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ભારેતી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસ રાજયમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બપોરબાદ અનરાધાર વરસાદ તૂટી પડશે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૧ જિલ્લાના ૧૫૬ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૧૦૧ મીમી પડયા છે. આ ઉપરાંત વાસંદામાં ૮૪ મીમી, વલસાડમાં ૮૪ મીમી, ઉચ્છાલમાં ૭૭ મીમી, વાપીમાં ૭૭ મીમી, વધઈ ૬૯ મીમી, સુબીર ૬૯ મીમી, ડાંગ આહવામાં ૬૮ મીમી, પારડીમાં ૬૨ મીમી, પારડીમાં ૬૦ મીમી, ડોલવાણમાં ૫૨ મીમી, ગણદેવીમાં ૪૮ મીમી, ઉમરગામમાં ૪૪ મીમી, ડેડીયાપાડામાં ૪૧ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.