દબાણગ્રસ્ત પાકા મકાનમાં એસી, ટીવી ફ્રિઝ જોઈ દબાણ ટીમ આવાચક: ફૂટપાથ પર પાકા મકાનો, કેબીનો સહિતનો સફાયો કરાયો
ઉપલેટા પાલીકા દ્વારા વર્ષો બાદ દબાણ હટાવાની કામગીરી કરવામાં આવતા લોકો જોવા ટોળે ટોળા એકત્ર થયા હતા.
ઉપલેટા પાલીકાના પ્રમુખની આગેવાનીમાં ચીફ ઓફીસર સી.જે. દવે દબાણ ઈન્સ્પેકટર ભરત ગજેરા, બાંધકામ ખાતાના ભરતભાઈ વઘાવીયા, દલસાણીયા, આરોગ્ય શાખાના અશોકભાઈ ડેર, હનુભા જાડેજા સહિતના કાફલો પોલીસના બંદોબસ્ત વચ્ચે શહેરના ભાદર ચોકથી સ્મશાન સુધીના વિસ્તારમાં ફૂટપાથ પર પાકા મકાનો, કેબીનો, ઝુપડાઓ બાંધીને ઘરની ધોરાજી સમજીને બેસી ગયેલા શખ્સો સામે નગરપાલીકા દ્વારા વખતો વખત નોટીસો આપવા છતા કોઈ દબાણ નહિ હટતા આખરે નગરપાલીકાના તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાની કામગીરી કરવામાં આવી હતી.
ભાદર રોડથી સ્મશાન સુધીમાં રસ્તા ઉપર ફૂટપાથો ઉપર અને જુના રાજાશાહી ભગવતસિંહજી બાપુના વખતનો ખરાવાડ ચોક વિસ્તારમાં દબાણકારોના ત્રાસથી લોકો ભારે પરેશાની ભોગવતા હતા. દબાણકારો જાણે પોતાના ઘરની જમીન હોય તે રીતે પાકા મકાનો બનાવી તેમાં એસી, ફ્રીઝ, ટીવી, મોટર સાયકલ રાખીને પારકી જમીન ઉપર જલસા હતા જયારે ગરીબ માણસો માટે ઝુપડું વારવું પણ મુશ્કેલ બને છે. ત્યારે આવા દબાણકારોની શાન નગરપાલીકા તંત્ર દ્વારા કોઈની શેહશરમમાં આવ્યા વગર ખડકાયેલા મકાનો, કેબીનોનો કડુસલો બોલાવી દીધો હતો.
ગઈકાલે એકાએક નગરપાલીકા દ્વારા દબાણ હટાવની કામગીરી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પણ તંત્ર વાહકો એ તમામ દબાણ દૂર કરવામાં સરળતા મળેલ હતી.
દબાણ દૂર થયેલા વિસ્તારમાં પાકા રોડ બનશે: પાલિકા પ્રમુખ
ગઈકાલે દબાણની કામગીરી પૂરું થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પાલીકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીએ જણાવેલ કે જે વિસ્તારોમાં દબાણો દૂર કરાયા છે.તેવા વિસ્તારમાં પ્રજાની સુખાકારી માટે પાકા રોડ, રસ્તા બનાવામાં આવશે.
કામગીરી ચાલુ રાખવા લોકોની માંગ
ગઈકાલે દબાણ વારા વિસ્તારો દબાણથી મૂકત કરાયા છે. જયારે હજુ પણ ઘણા રોડ, રસ્તાઓ વચ્ચે દબાણો થયેલા છે. તે નગરપાલીકાનું તંત્ર કોઈની શેહ શરમ રાખ્યા વગર દૂર કરે તેવી લોકોની માંગ છે.
દબાણકારો ભાડે આપીને આવક મેળવતા
ગઈકાલે નગરપાલીકા દ્વારા જે દબાણોમાં પાકા મકાન કેબીનો અને વાડાઓ દૂર કરવા છતા તેમાં અમુક શખ્સો મકાન, કેબીન, વાડામાં ભાડે આપી મહિને આવક મેળવાનું સાધન બનાવી લીધું હતુ,.
રાજાશાહી વખતના આખેઆખા ચોકમાં દબાણ
ગોંડલ સ્ટેટના રાજા સર ભગવતસિંહજી બાપુના વખતનો કહેવાતો ખરાવાડ ચોક આખે આખો ચોક દબાણકારોએ દબાણ કરી ચોક ઉપર મકાનો ઝુપડાઓ વાડાઓ બનાવી લીધા
હતા.