વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે વાલીઓની સહમતી જરૂરી છે, તો આ સાથે જ કોવિડ ગાઈડલાઈનનું ચોક્કસ પાલન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે: શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ કરી જાહેરાત
અબતક, રાજકોટ
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત થઈ જતા હવે શિક્ષણ પણ પાટા પર આવવા લાગ્યું છે. રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરીથી ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ આજે 17મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આમ બે વર્ષમાં પહેલીવાર પ્રિ-સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રિ-સ્કૂલમાં કે બાલ મંદિરમાં બાળકોને મોકલવા માટે વાલીઓની સંમતિ લેવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા શિક્ષણવિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વાલીઓની સંમતિ સાથે ફરીથી બાળમંદિર શરૂ કરાશે. ગુરુવારથી રાજ્યમાં આંગણવાડી, બાળમંદિર અને પ્રિ-સ્કૂલ શરૂ થઈ જશે. જઘઙ પ્રમાણે પ્રિ-પ્રાયમરી શરૂ થઇ જશે. અઢી વર્ષના ગાળા બાદ બાળકો સ્કૂલ જશે. તદુપરાંત મધ્યાહ્ન ભોજન મામલે ચર્ચા કરીને આગામી દિવસોમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે.પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે હવે આગામી ગુરૂવારથી રાજ્યના બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ થઈ શકશે. જો કે, વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે તેમણે કહ્યું કે, વાલીઓની સહમતી જરૂરી છે, તો આ સાથે જ આરોગ્યની ગાઈડલાઈનનું ચોક્કસ પાલન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે.
આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
- સંતાનને સ્કૂલ મોકલવા માટે વાલીએ હસ્તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે.
- બાળકોને શાળાએ પહોંચાડ્યા બાદ બહાર ટોળે વળીને ઊભા નહીં રહી શકે.
- સ્કૂલે આવતી વખતે દરેક વાલીએ અચૂકપણે માસ્ક પહેરીને આવવું પડશે.
- બાળકને કોરોનાની ગાઇડલાઇનથી અવગત કરાવીને સ્કૂલમાં પણ તેનું પાલન કરે તેની ધ્યાન વાલીએ રાખવું પડશે
- એસઓપીના પાલન માટે સ્કૂલના મેનેજમેન્ટને સહકાર આપવાનો રહેશે.