ભારત જોડો યાત્રા 2.0 ગુજરાતથી શરૂ થઈ મેઘાલયમાં પૂર્ણ થશે : તારીખો અને રૂટની હજુ જાહેરાત બાકી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 2.0ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં દક્ષિણથી ઉતરની યાત્રા કર્યા પછી હવે પશ્ચિમથી પૂર્વ તરફ રાહુલ ગાંધી પગલાં માંડશે. જો કે નોંધનીય બાબત એ છે કે સૂરજ જેમ ઉગે છે તેમ પૂર્વથી પશ્ચિમની બદલે પશ્ચિમથી પૂર્વ તરફ આ યાત્રા થવાની છે.
રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતથી મેઘાલય જશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં પાર્ટીના નેતાઓ પણ આવી જ યાત્રા કાઢશે. નાના પટોલેએ જણાવ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી મેઘાલય સુધીનો હશે. કોંગ્રેસના મોટા નેતાઓ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં યાત્રાઓ કરશે. ભારત જોડો યાત્રાના પ્રથમ તબક્કામાં રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી લગભગ 4000 કિલોમીટરનું પગપાળા અંતર કાપ્યું હતું.
પાછલા વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી. 3970 કિલોમીટર, 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોથી પસાર થનારી આ યાત્રા 130 દિવસ સુધી ચાલ્યા બાદ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. હવે ભારત જોડો યાત્રા 2.0 ક્યારે શરૂ થશે અને તેનો રૂટ શું હશે, તેની જાણકારી સામે આવી નથી.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ સોમવારે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત ગુજરાતથી કરવાનું આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે આ યાત્રાની શરૂઆત ગુજરાતથી થવી જોઈએ.
નાના પટોલેએ કહ્યુ કે તે ખુદ પૂર્વી વિદર્ભમાં યાત્રાની આગેવાની કરશે. જ્યારે પશ્ચિમી વિદર્ભની જવાબદારી વજય વાડેટ્ટીવાર, મરાઠવાડામાં અશોક ચવ્હાણ, ઉત્તર મહારાષ્ટ્રમાં બાલાસાહેબ થોરાટ, પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૃથ્વીરાજ ચવ્હાણ અને મુંબઈમાં વર્ષા ગાયકવાડ સંભાળશે.