આજી ડેમમાં સાત વર્ષમાં 7,231 એમસીએફટી અને ન્યારી ડેમમાં ચાર વર્ષમાં 412 એમસીએફટી નર્મદાનું પાણી ઠલવાયું

રાજકોટવાસીઓએ ચોમાસા સુધી પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે છેલ્લાં એક મહિનાથી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં છે. આજ સુધીમાં 694 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસથી ન્યારી ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું હોવાની જાહેરાત કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન દેવાંગભાઇ માંકડે જણાવ્યું હતું કે હાલ આજી અને ન્યારી બંને જળાશયોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠલવાઇ રહ્યું છે. પ્રથમ વખત વર્ષ-2017માં આજી ડેમમાં નર્મદા મૈયાનું અવતરણ થયું હતું. વર્ષ-2017માં 331 એમસીએફટી, વર્ષ-2018માં 1394 એમસીએફટી, વર્ષ-2019માં 1556 એમસીએફટી, વર્ષ-2020માં 748 એમસીએફટી, વર્ષ-2021માં 995 એમસીએફટી અને વર્ષ-2022માં 1513 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે 694 એમસીએફટી નર્મદાના પાણી આજ સુધીમાં ઠાલવી દેવામાં આવ્યા છે. સાત વર્ષમાં કુલ 7,231 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે.

ગત શનિવારથી ન્યારી ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ન્યારીમાં 270 એમસીએફટી પાણી ઠાલવાની માંગણી કરવામાં આવી છે. વર્ષ-2019 થી ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તબક્કાવાર સમયાંતરે કુલ 412 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. રાજકોટવાસીઓને પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા સતત કાળજી રાખવામાં આવી છે. આ વખતે નવી સરકારે માંગ્યા નીર આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.