પાકિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈન્ડોનેશીયામાં કપાસની માંગ વધતા ભાવમાં ઉછાળો: ૧૫ લાખ ગાંસડીઓના નિકાસની ધારણા
સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડૂતોને વધુ કિંમત મળવા લાગી
કોટનની ઉંચી માંગના પરિણામે ખેડૂતોને અચ્છે દિન જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈન્ડોનેશીયામાં કોટનની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોટનના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં કોટનનો ભાવ ૧૫૦૦ થી ૨૦૦૦ સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં શંકર-૬ કોટનનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. તેના ભાવમાં બહોળો વધારો જોવા મળી રહ્યો છે. અલબત ચૂંટણીના સમયગાળામાં કોટનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સરકારે લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થતું હોય આ નિર્ણય ખેડૂતો માટે મહત્વનો બની ગયો હતા. જો કે, એજન્સીની મનમાનીના કારણે કેટલાક ખેડૂતો નારાજ થયા હતા.
દેશમાંથી નિકાસ માટે ૧૫ લાખ ગાંસડીઓનું એસ્ટીમેન્ટ કાઢવામાં આવ્યું છે. જેમાંથી ૯ લાખ ગાંસડીઓ મોકલી દેવાઈ છે. પાકિસ્તાને ટેકસટાઈલ માંગમાં વધારો થતાં ભારતથી કપાસ મંગાવવાની મંજૂરી આપી દીધી છે. જેના પરિણામે ભારતીય ખેડૂતોને રાહત થઈ છે. પાડોશી દેશો ભારતમાંથી ૧૦ લાખ ગાંસડીઓ આયાત કરે તેવી શકયતા છે.
છેલ્લા રિપોર્ટ મુજબ પાકિસ્તાને ભારતમાંથી ૩ થી ૩.૫ લાખ ગાંસડીઓ મંગાવવાની તૈયારી દર્શાવી છે. જે જાન્યુઆરીમાંથી આયાત શ‚ કરશે. સ્થાનિક બજારની સ્થિતિ જોઈએ તો હાલ બજારમાં દરરોજ ૪૨ હજારથી ૪૪ હજાર ગાંસડીઓની આવક થઈ રહી છે.
ગુજરાતના માર્કેટમાં સરેરાશ ૨૦ લાખ ગાંસડીઓની આવક થઈ છે.
સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યાં છે. જે ખરેખર ખેડૂતો માટે અચ્છે દિન સાબીત થયા છે.
સરકારે થોડા સમય પહેલા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રૂ.૮૫૪ અને બોનસ રૂ.૧૦૦૦ એટલે કે રૂ.૯૫૪માં કપાસની ખરીદી શરૂ થઈ હતી. પરંતુ હાલ ખેડૂતોને કપાસના રૂ.૧૧૦૦ મળી રહ્યાં છે. જે સરકારે જાહેર કરેલા ભાવ કરતા વધુ છે.
માટે ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની વધેલી માગ લાભદાયી સાબીત થઈ છે.
પાકિસ્તાન, ચીન, વિયેતનામ અને ઈન્ડોનેશીયા સહિતના દેશોમાં દર વર્ષ કરતા આ વર્ષે કપાસની માંગ બહોળા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ દેશોની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં ભારતીય કપાસની માંગ વધી છે. આ ઋતુમાં ૧૫ લાખ ગાંસડીઓનો અંદાજ નિષ્ણાંતો લગાવી રહ્યાં છે.
જે ભારતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબજ લાભદાયી બન્યું છે.