સરહદે આડોડાઈ કરનાર ચીનને પાઠ ભણાવવા માટે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં વર્ચ્યુઅલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. હવે ધાર્મિક ક્ષેત્રે પણ મોદીની નીતિ ચીનનો ભરડો લેશે. આજે વડાપ્રધાન મોદીએ બૌદ્ધ ધર્મના આગેવાનોને સંબોધ્યા હતા અને બૌદ્ધ ધર્મની મહિમા વર્ણવી હતી. અલબત મોદીની આ ધર્મનીતિ આંતરરાષ્ટ્રીય રણનીતિ ક્ષેત્રે મહત્વની બની જવા પામી છે. ચીન અને ચીનની આસપાસના દેશોમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો વ્યાપક રહ્યો છે. ભારતમાંથી બૌદ્ધ ધર્મ વધુ ફેલાયો હતો. વર્તમાન સમયે ચીનની જેમ વિયેટનામ, બર્મા, જાપાન, મલેશીયા, ઈન્ડોનેશીયા, તાઈવાન સહિતના અનેક દેશોમાં બૌદ્ધ ધર્મના લોકોની સંખ્યા લાખોમાં છે.
ચીનને અત્યાર સુધી જે જે દેશો સાથે માથાકૂટ થઈ છે તેમાંથી પણ મોટાભાગના દેશમાં મોટાભાગની વસ્તી બૌદ્ધ ધર્મ પાળે છે. ચીન સામ્યવાદી દેશ છે. ચીનના સત્તાધીશોને દશકાઓથી ધર્મથી સુગ છે. આવા સંજોગોમાં મોદીની ધર્મનીતિ ચીનના સત્તાધીશો પર દબાણ લાવશે. ચીને પોતાના ૯૦ ટકા પાડોશીઓ સાથે આડોડાઈ કરી છે. માત્ર થોડા દેશ જ એવા છે જેને ચીન સાથે સારા સંબંધો છે. ચીને ભૂતકાળમાં તિબેટમાં ભરડો લેવા દલાઈ લામા સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ બતાવી હતી તે સમયે પણ ભારતે દલાઈ લામાને દેશમાં જગ્યા આપી હતી. વર્તમાન સમયે ચીન ઉપર દબાણ લાવવાના હેતુથી ભારત વૈશ્ર્વિક રણનીતિ મુજબ આગળ વધી રહી છે. પહેલા ચીની ૫૯ એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુકયો હતો. જેના પગલે વિશ્ર્વના અન્ય દેશો પણ ચાઈનીઝ માલનો વિરોધ કરવા લાગ્યા છે. હવે બૌદ્ધ વિદ્વાનોને વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન અડકતરી રીતે ચીનને ભિંસમાં લેવાનો પ્રયાસ વડાપ્રધાન મોદીએ કર્યો હતો.
શું કહ્યું વડાપ્રધાન મોદીએ…
વડાપ્રધાન મોદીએ આજે અષાઢપૂર્ણિમા ધર્મચક્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં ભગવાન બુદ્ધની ૮ શિક્ષાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. ભગવાન બુદ્ધની શિક્ષાઓ અને તેમના દ્વારા અપાયેલા ૮ પથ પર ભાર મુકવાનું આહવાન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, આ જ દુનિયા અનેક મુશ્કેલીઓ સામે લડી રહી છે. આ મુશ્કેલીઓનો ઉકેલ ભગવાન બુદ્ધના આદર્શોથી થઈ શકે છે. ભગવાન બુદ્ધ અતિતમાં પણ પ્રાસંગીક હતા, વર્તમાન પણ પ્રાસંગીક છે અને ભવિષ્યમાં પણ પ્રાસંગીક રહેશે. ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ૮ માર્ગ અનેક સમાજ અને રાષ્ટ્રોને કલ્યાણની દિશા તરફ દોરી જાય છે. કરૂણા અને દયાના મહત્વ ઉપર પ્રકાશ પાડે છે. ભગવાન બુદ્ધની શિક્ષા, વિચાર અને કર્મ બન્નેમાં સરળતા લાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, અષાઢપૂર્ણિમા નિમિત્તે હું બધાને શુભકામના પાઠવું છું. ધર્મચક્ર દિવસ નિમિત્તે આજે યોજાયેલા ઓનલાઈન સમારોહમાં રાષ્ટ્રપતિ કોવિંદે પણ ઉદ્બોધન કર્યું હતું.