લોક પ્રતિનિધિત્વ કાયદો-1951 હેઠળ રિટર્નિંગ ઓફિસરો કરશે કાર્યવાહી : જવાબ આપવા હાજર નહિ થાય તો પોલીસ સમન્સ પણ પાઠવાશે
ચૂંટણી સ્ટાફની તાલીમ પૂર્ણ થયે આજે સાંજે ગેરહાજર કર્મચારીઓને ધડાધડ નોટિસ ફટકારવામાં આવશે. લોક પ્રતિનિધિત્વ કાયદો-1951 હેઠળ રિટર્નિંગ ઓફિસરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.
વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લઈને વ્યવસ્થાને તમામ કામગીરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી સ્ટાફનું સેક્ધડ રેન્ડમાઇઝેશન થઈ જતા ચૂંટણી સ્ટાફને વિધાનસભા બેઠકને હવાલે કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી સ્ટાફ મતદાન કરી પોતાની મતાધિકારની ફરજ પણ બજાવી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા દર વખતની જેમ આ વખતે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ સાથે બે દિવસની તાલીમ પણ ગોઠવવામાં આવી હતી.
આ માટે જિલ્લા ચૂંટણી તંત્રના આદેશથી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા બે દિવસનો તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં 65 પૂર્વ રાજકોટ બેઠક માટે સરકારી પોલીટેકનીકલ કોલેજ ભાવનગર રોડ ખાતે, રાજકોટ પશ્ચિમ 69 બેઠક માટે વિરાણી હાઇસ્કુલ ખાતે, રાજકોટ દક્ષિણ 70 બેઠક માટે પીડી માલવીયા કોલેજ ખાતે, રાજકોટ ગ્રામ્ય 71 બેઠક માટે આત્મીય કોલેજ ઓડિટોરિયમ ખાતે, જસદણ 72 વિધાનસભા બેઠક માટે કમળાપુર રોડ ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં, ગોંડલ 73 વિધાનસભા બેઠક માટે ટાઉનહોલ ખાતે, જેતપુર 74 બેઠક માટે સેન્ટ ફ્રાંસીસ સ્કૂલ ખાતે, ધોરાજી 75 બેઠક માટે ક્ધયા છાત્રાલય ખાતે બે દિવસ તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાનનો કાર્યક્રમ યોજાયો હતો. જે આજે સાંજે પૂર્ણ થયો છે.
આ તાલીમ આજે સાંજે જ પૂર્ણ થઈ જશે ત્યારબાદ તુરંત જ દરેક વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરો દ્વારા આ તાલીમમાં ગેરહાજર રહેનાર તમામ સ્ટાફને લોક પ્રતિનિધિત્વ કાયદો-1951 હેઠળ કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવશે. બાદમાં જો આ કર્મચારીઓ જવાબ આપવા હાજર નહિ થાય તો પોલીસ સમન્સ પણ પાઠવવામાં આવશે.