આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. ત્યારે હવે આગામી જૂન મહિનાના બીજા સપ્તાહમાં હવે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે . ધોરણ 12 સાયન્સ બાદ હવે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.રાજ્યમાં 9.48 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપેલ છે. આ વર્ષે પરીક્ષામાં હાજર ન રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7 ટકા હતી. ધોરણ 10માં કુલ 9.72 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભર્યા હતાં.
આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયુ છે. ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે.
મહત્વનુ છે કે, રાજ્યમાં કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જ્યારે હવે ધો.12 કોમર્સનાં જ થોડાં પેપર ચેક કરવાનાં બાકી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યાર બાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.