વોરા-કોરાટ સામે ગુનો નોંધવા પોલીસની તજવીજ
રાજકોટના ચકચારી સામુહિક આપઘાત કેસમાં પુત્ર બાદ હવે પિતાએ પણ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. ચકચારી પ્રકરણમાં મળેલી સ્યુસાઇડ નોટના આધારે હવે પોલીસે આર.ડી. વોરા અને દિલીપ કોરાટ સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં નાનામવા શિવમપાર્કમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા કમલેશભાઈ રામકૃષ્ણભાઈ લાબડીયા નામના 40 વર્ષના યુવાને પોતાના પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવાનું કહી ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસ પહેલા પુત્ર અંકિતનું મોત થયા બાદ ગઈ કાલે પિતા કમલેશભાઈએ પણ દમ તોડતા કલ્પાંત સર્જાયો છે.
યુવાન કમલેશભાઈને મકાનના પૈસા ન આપી ખોટી પોલીસ અરજીમાં વકીલ આર.ડી. વોરા અને બ્રોકર દિલીપ કોરાટે ફસાવી દેતા સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પુત્ર બાદ હવે પિતા કમલેશભાઈએ પણ દમ તોડતા ચકચારી પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હવે સાળા-બનેવી એવા આર.ડી. વોરા અને દિલીપ કોરાટ સામે ગુનો દાખલ કરવા તજવીજ હાથધરી છે.