બાંગ્લાદેશએ આયાતકરમાં રાહત આપતા ભારતના ચોખાની લાવ-લાવ, માંગ વધતા ભાવ હજુ વધુ ઊંચકાઈ તેવી શકયતા
દુનિયાભરમાં અનાજના ભાવ સતત વધી રહ્યા છે. આ દરમિયાન ચોખાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં છેલ્લા 5 દિવસમાં ચોખાના ભાવના 10 ટકાનો ઉછાળો નોંધાયો છે. હજુ પણ ચોખાની વૈશ્વિક માંગ વધી રહી હોય, ભાવ હજુ પણ ઉચકાઈ તેવા સંજોગો જણાઈ રહ્યા છે. જાણકારો ના કહેવા અનુસાર હજુ દુનિયામાં ચોખાનું ઉત્પાદન ઉચ્ચ સ્તર પર છે. પરંતુ ઘઉં મોંઘા થવાને લીધે ચોખાની માંગ વધી છે.
જાપાનની ઈન્વેસ્ટમેન્ટ બેંક નોમુરાના ચીફ ઈકોનોમિસ્ટ સોનલ વર્માએ કહ્યું કે અમે ચોખાના ભાવ પર નજર રાખી રહ્યા છીએ. ઘઉં મોંઘા થવાના કારણે મોટી સંખ્યામાં લોકોએ પોતાના ભોજનમાં ચોખાનું પ્રમાણ વધારી દીધું છે. તેનાથી વર્તમાન ભંડારની સરખામણીમાં ચોખાની માંગ વધી છે.સોનલ વર્માએ કહ્યું કે ખાતરના ભાવ વધવાથી ખેતીનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. ઈંધણની મોંઘવારી પણ ખેતીને અસર કરી રહી છે. એક વર્ષ પહેલાની તુલનામાં આજે વિશ્વ બજારમાં ઘઉંના ભાવ અનેક ગણા વધ્યા છે.
હાલ ચોખાના વેપારીઓ ભારત પાસેથી મોટી માત્રામાં ચોખા ખરીદે છે. અહીંયા નોંધવું રહ્યું કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આંકડા અનુસાર વિશ્વમાં ચોખા ઉત્પાદન કરવામાં ચીન પ્રથમ ક્રમે અને બીજા નંબરે ભારત છે. ત્યારબાદ ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, વિયેતનામ અને થાઈલેન્ડનો નંબર આવે છે.બીજી તરફ બાંગ્લાદેશે ચોખા ઉપરનો જે આયાત કર છે તેને 62.5 ટકાથી ઘટાડીને 25 ટકા જેટલો કરી દીધો છે.
જેનાથી બાંગ્લાદેશમાં ભારતના ચોખાની લાઉ લાઉ થઈ રહી છે. મોટા પ્રમાણમાં માંગ નોંધાતાએ ચોખાના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ છેલ્લા 5 જ દિવસમાં 10 ટકા જેટલા વધ્યા છે. ભારતના ચોખાની માંગ બીજા દેશમાં વધવાના પગલે ભારતના ચોખાની કિંમતમાં વધારો નોંધાયો છે. હજુ આગામી સમયમાં પણ ચોખાની કિંમતમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.