ધો.૧૦માં ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં ચોરી કરતાં ઝડપાયા છે, તમામનાં પરીણામ અનામત રહેશે
ધો.૧૦ની બોર્ડની પરીક્ષા પુરી થઈ ગયા બાદ તમામ જિલ્લાનાં તમામ કેન્દ્રોની સીસીટીવી રેકોર્ડીંગની ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલમાં તમામ જિલ્લામાં આ ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફાઈનલ રીપોર્ટ ગુજરાત માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડને સોંપી દેવામાં આવ્યો છે જેને લઈ રાજયનાં ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ રીતે ગેરરીતિ કરતાં સીસીટીવી રેકોર્ડીંગમાં નજરે ચઢયા છે જેથી આ તમામ વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનાં કેસ નોંધવામાં આવ્યા છે અને આ વિદ્યાર્થીઓનું પરીણામ અનામત રાખવામાં આવશે તેવું હાલ જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષા રાજયનાં ૧૦૦ ટકા સીસીટીવી કેન્દ્રો પર લેવામાં આવે છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડનાં આદેશ મુજબ તમામ જિલ્લાનાં ડીઈઓની અધ્યક્ષતામાં કમિટી રચ્યા બાદ તમામ જિલ્લાનાં પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી રેકોર્ડીંગ ચેક કરવામાં આવે છે અને પુરી કલાકની પરીક્ષાનું રેકોર્ડીંગ જોવામાં આવે છે. જયારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જે જવાબો લખવામાં આવ્યા હશે તો તેનો અવાજ પણ રેકોર્ડીંગ ચેકિંગમાં પકડાયો હશે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધો.૧૦ની બોર્ડની પરીક્ષાનાં સીસીટીવી રેકોર્ડીંગને ચેક કરવાની કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ધો.૧૦ અને ધો.૧૨માં કુલ ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ રીતે ગેરરીતિ કરતાં પકડાયા છે. પરીક્ષા સમયે સ્કોર્ડ દ્વારા પકડાયેલા ૧૧૯ વિદ્યાર્થીઓનાં કેસ સાથે ૧૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ તમામ જિલ્લાનાં સીસીટીવી રેકોર્ડીંગ તપાસવાની કામગીરી પૂર્ણ થઈ છે. ધો.૧૦નું પરીણામ જાહેર થયા બાદ તમામ ગેરરીતિ આચરતાં વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવશે અને હાલ પુરતા તમામ વિદ્યાર્થીઓનાં પરીણામ અનામત રાખવામાં આવશે.