આજથી 14મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિધાનસભાના રિનોવેશન બાદ આજે પ્રથમ દિવસે હવન કરાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના અન્ય નેતાઓ હાજર રહ્યાં હતાં. બજેટ સત્ર શરૂ થવાની સાથે જ ગુજરાત વિધાનસભાના ભવનનું રિનોવેશન પણ થઈ ગયું છે. આ કામ 135 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
નવી વિધાનસભાની સાથે સાથે કુલ 56 નવા એમએલએ પણ પહેલીવાર ગૃહમાં આવી રહ્યા છે. નવી વિધાનસભા અને નવા ધારાસભ્યોની સાથે રૂપાણી સરકાર સામે પડકારો પણ નવા છે. જેમાં હાલ દલિત આક્રોશથી લઈ રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી જેવા અનેક મુદ્દાઓ સામેલ છે.
આ સિવાય રૂપાણી માટે પાર્ટીમાં રહેલો આંતરિક અસંતોષ પણ પડકારરૂપ છે. માત્ર એટલું જ નહીં, હાલ બીજેપી પાસે સભ્ય સંખ્યા પણ પહેલાની તુલનાએ ઘણી ઓછી હોવાથી વિપક્ષ મજબૂત સ્થિતિમાં છે. આમ આ સત્રમાં રૂપાણી સરકાર માટે બધું જ નવું છે.સતાધારી ભાજપના 99 ધારાસભ્યો સામે વિરોધ પક્ષ પણ મજબૂત છે.