પંજાબ નેશનલ બેન્કની મુંબઈમાં આવેલી MCB બ્રાડી હાઉસ બ્રાન્ચમાં 11 હજાર કરોડનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ કૌભાંડમાં આરોપી તરીકે ઈન્ટરનેશનલ જ્વેલરી માર્કેટમાં મોટી નામના ધરાવતા નીરવ મોદીનું નામ ઉછળ્યુ છે. ત્યારે હાલ મોદી ક્યાં છે તે જાણવા લોકોની ઉત્કંઠા વધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીરવ મોદી 1 જાન્યુઆરીથી જ દેશ છોડીને ભાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અબજોની મિલકતનો માલિક છે અને હાલ તેમની ઓફિસ અને ઘરે ઈડીની ટીમે દરોડા પાડ્યા પછી તેનું ઘર પણ સીલ કરી દેવામાં આવ્યું છે. ઈડીના સૂત્રો મુજબ, નીરવ મોદી સ્વિઝરલેન્ડમાં છે.
ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ, નીરવ મોદીની પત્ની જેઓ અમેરિકન નાગરીક છે તેઓએ 6 જાન્યુઆરીએ દેશ છોડી દીધો હતો. સીબીઆઈને પંજાબ નેશનલ બેન્ક તરફથી 29 જાન્યુઆરીએ ફરિયાદ મળી. જ્યારે નીરવ મોદીના ભાઈ નિશલ મોદી જેઓની પાસે બેલ્જિયમ નાગરિકત્વ છે તેઓ 1 જાન્યુઆરીએ દેશ છોડી ગયા છે. CBIએ આ તમામ લોકો સામે લૂક આઉટ નોટિસ 31 જાન્યુઆરીએ ઈશ્યૂ કરી હતી