‘શૂટ એટ સાઈટ’ જેવો અતિક્રૂર મિજાજ ! વધુને વધુ કદરૂપું અને બિહામણું બનતું જતું સ્વરૂપ: ઘાંઘા બનેલા વિશ્ર્વભરના નેતાઓ ! કોરોના આજની દૂનિયાનો જાણે શહેનશાહ બની બેઠો છે… તેણે જાણે માનવજાતની બાદશાહત છીનવી લીધી છે!
કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાઈ છે, ને આશાનું કિરણ કયારે દેખાતું બંધ થતું નથી એવી ‘જૂગજૂની કહેવતના ટેકે ઉભેલા શેર બજાર, અર્થતંત્રીય પ્રવાહો, કપટબાજી, પ્રપંચો, કાવાદાવાઓ અને પ્રચારલીલાઓ તેમજ આક્ષેપબાજીઓ: ‘આ પાર-પેલે પાર’ની લડાઈમાં કોરોનાના આતંકને મ્હાત નહિ કરી શકાય તો સર્વગ્રાહી બરબાદીમાં ગળાબૂડ ડૂબવાનો જગત પર અને ભારત પર ખતરો: કૂદરતનો આધાર કયાં?
આપણા દેશમાં ‘આધાર કાર્ડ’ના આધારે ઘણી બધી સમસ્યાઓ ઉકેલાઈ છે. ગમે તેવી અટપટી અને કપરી સમસ્યાઓનો ઉકેલ આધાર કાર્ડ અને પાનકાર્ડમા સંનિહિત છે. એની ગેરહાજરી હાલાકીઓ સર્જે છે, પણ એની હાજરી લાભકર્તા બને છે, શુભકર્તા બને છે. કોરોના વાઈરસ એને ગણકારતો નથી. એમ કહી શકાય તેમ છે કે, કોરોનાની હાજરીમાં એ જાણે એમની મૂળભૂત હકૂમત વગરનાં બની રહે છે ! કોરોનાએ જાણે આપણા દેશના તથા અમેરિકા સહિત દૂનિયાના મહાન દેશોના તમામ સત્તાધીશોની હકૂમત છીનવી લીધી છે.
આખા જગતની શહેનશાહત અને આખી માનવજાતની બાદશાહત એ પોતાના હસ્તગત લઈ બેઠો છે.
આપણા દેશના બંધારણે આપેલી બધી જ વહિવટી સત્તાઓને તેણે બુઠ્ઠી કરી દીધી છે.
તેની ઘાતકતા અગાધ હોવાની અને તે આખી દુનિયાના દેશ-પ્રદેશોમાં અસંખ્ય લોકોને મોતનાં ખપ્પરમાં ધકેલી દઈ શકે છે. એવી પ્રતીતિ તેણે આખી માનવજાતને કરાવી દીધી છે. અત્યાર સુધીમાં તેણે અમેરિકા, ચીન, ઈટાલી જેવા દેશોમાં નિદોર્ષ લોકોની લાશો ઢાળીને તેની બેસુમાર ઘાતકતાનું પ્રમાણ આપ્યું છે.
છેલ્લા સમાચાર સુધી એવો જ ખ્યાલ ઉપસ્યો છે કે, કોરોનાનો ખોફ ઓછો થયો નથી. ઉલ્ટું, એ ભારતમાં ઘૂસી ગયો છે. અને ત્રણની લાશો ઢાળી દેવાનું પરાક્રમ કરી ચૂકયો છે. ભારતમા કુલ ૧૩૧ પોઝીટીવ કેસો નોંધાઈ ચૂકયા છે.
વિશ્ર્વમાં કુલ ૭૧૬૪ લોકોનાં પ્રાણ તે લઈ ચૂકયો છે. ‘મેઈડ ઈન અમેરિકા’ હોવા છતાં તે અમેરિકામાં ૮૭ લોકોના હત્યારો બની ચૂકયો છે. અમેરિકાના ન્યુજર્સી, સાનફ્રાન્સીસ્કોમાં રાત્રિ કર્ફયુ લાદી દેવા પડયા છે. ન્યુયોર્ક, લોસએન્જલીસ, વોશિંગ્ટનમાં તમામ જાહેર ઈમારતો બંધ કરાવી દેવાઈ છે. વિશ્ર્વના ૧૫૭ દેશો કોરોનાની ઝપટે ચડી ચૂકયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના શંકાસ્પદ વ્યકિતઓનાં હાથ પર ‘સ્ટેમ્પ’ની નિશાનીઓ લગાવવામાં આવનાર છે. મુંબઈની ટ્રેનોમાં ભીડ ન થવા દેવા ટ્રેનોની સંખ્યા ઘટાડી નાખવાનો વ્યૂહ અપનાવાયો છે.
કોરોનાના ઉદભવ સ્થાનના મુદે અમેરિકા અને ચીને બાખડવાનું શરૂ કરી દીધું છે. અને આ રાજદ્વારી લડાઈ કયાં જઈને અટકશે એ કોરોનાને કારણે થનારી વિનાશકતા ઉપર આધારિત રહેવાનો સંભવ છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કોરોનાને ચાઈનીઝ વાયરસ ગણાવ્યો છે. ચીને એને અમેરિકી વાયરસ તરીકે તેમજ તે જાણીબુઝીને, શત્રુતાના ઓઠા હેઠળ ફેલાવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે આ લડાઈ આક્ષેપબાજી પૂરતી સીમીત રહેવાનું માની શકાય તેમ છે હા, એવું બની શકે આ રાજદ્વારી લડાઈમાં અન્ય રાષ્ટ્રો પણ જોડાય અને મામલો યુનો સુધી પહોચે !
કોરોનાના કારણે રાજકોટ અને ગુજરાતમાં રેલવે પ્લેટ ફોર્મ ટિકિટ રૂા.૫૦ની કરી દેવાઈ છે. આ ઓછું સૂચક નથી. ૬ એપ્રિલ સુધી આ વધારો રહેવાનું જણાવાયું છે.
ટ્રમ્પે કોરોનાની કટોકટી ઓગષ્ટ સુધી રહેવાની અત્યંત ગંભીર અને મહત્વની જાહેરાત કરી છે. જોકે, આવી જાહેરાત તેમણે કયા આધારે કરી, તે કહેવાયું નથી. એનાથી લોકોનો ગભરાટ વધશે અને લોકોની હાલાકી તેમજ નુકશાન ઘણા વધી જવાનો સંભવ છે.
ભારતમાં યશ બેંકે કાચી પડવાના નામે સર્જેલી થાપણદારોને ગમે તેવા આશ્ર્વાસનો અને બાંહેધરીઓ અપાવાં છતા એનીબેંકીંગ ક્ષેત્ર પર થનારી વિપરિત અસરનું પોત પાતળું પડવાનું મુશ્કેલ બનશે.
અન્ય કેટલીક બેંકોની સ્થિરતા વિષે પણ શંકા સંદેહ પ્રવર્તવાનું શરૂ થઈ ચૂકયું છે. આખી બેંકીંગ પ્રથા ટકવાનો તૂટી પડવાનો એમાં સંકેત છે.
શેર બજારોમાં ચઢ-ઉતરની જબરી અસ્થિરતા રોજે રોજ નવી નવી કટોકટીઓનું દર્શન કરાવે છે. અને લાભાલાભનાં ગણિત માંડવાની ફરજ પાડે છે. આબધુ એમ માનવા પ્રેરે છે કે, રાજકીય, આર્થિક, સામાજીક, અને સાંસ્કૃતિક ઉથલપાથલ પછી કોરોનાની વ્યાપકતા અને ભયાનકતાની અતિ કપરી થપાટો હવે ધાર્મિક અને સાંપ્રદાયિક હલચલ સુધી ફેલાઈ છે.
અર્થાત્ કાયદો-વ્યવસ્થાની કટોકટી અને બિહામણી અશાંતિ વખતે પોલિસ કે લશ્કર ‘શૂટ-એટ-સાઈટ’ (એટલે કે દેખો ત્યાં ઠાર કરો)ના અતિ કડક અને ક્રૂર તબકકાએ પહોચે તેમ કોરોનાનો ત્રાસકારી હાહાકાર હવે ‘શૂટ એટ સાઈટ’ના અસહ્ય તબકકે પહોચ્યો છે. અને તેનું સ્વરૂપ કદરૂપું તેમજ બિહામણું બની જવા સુધી પહોચી જવાને આરે છે.