રાજકોટમાં કોરોનાએ ભદ્ર વિસ્તારને ભરડામાં લીધો
કોરોનાનું કાળચક્ર યથાવત: ૪૮ કલાકમાં ૨૧નાં મોત, વધુ ૪૫ પોઝિટિવ કેસ
રાજકોટમાં કોરોના વાયરસ હવે ભદ્ર વિસ્તારોને પણ ભરડામાં લઈ રહ્યું છે ત્યારે કોરોના પોઝીટીવ કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. કોરોના વોરીયર્સ તરીકે ઓળખાતા પોલીસ અધિકારીઓ અને તબીબો બાદ હવે મીડિયા કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે અને કોરોનાનું કાળચક્ર પણ યથાવત રહ્યું હોય તેમ રાજકોટની જુદી-જુદી કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા ૪૮ કલાકમાં ૨૧ દર્દીઓનાં મોત નિપજયા છે અને આજરોજ વધુ ૪૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં મુખ્યમંત્રીનાં આદેશ બાદ સેમ્પલીંગ ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ વધુ કરવામાં આવેલા ૬૧૪ સેમ્પલીંગ ટેસ્ટમાંથી ૪૫ પોઝીટીવ રીપોર્ટ નોંધાયા છે. શહેરમાં સુપર સ્પ્રેડર તરીકે પહેલા તો વાયરસ હવે ભદ્ર વિસ્તારોને પણ ભરડામાં લઈ રહ્યો છે. શહેરનાં પોલીસ અધિકારીઓ, તેમના પરીવારજનો અને સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા અને તેમનાં પત્ની ડો.જાગૃતિબેન મહેતા સહિત સિવિલ હોસ્પિટલ અને રાજકોટની અન્ય ખાનગી હોસ્પિટલોમાં તબીબો તથા કેન્સર હોસ્પિટલની ૭ નર્સ સહિત અન્ય સ્ટાફનાં લોકો પણ કોરોના પોઝીટીવ નોંધાયા હતા. કોરોના વાયરસે હવે મીડિયા કર્મચારીઓને પણ ઝપેટમાં લેવાનું શરૂ કર્યું છે. આજે પાંચ મીડિયા કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યાનું નોંધાયું છે.
કોરોનાનો ગુજરાતમાં સૌપ્રથમ કેસ શહેરનાં જંગલેશ્ર્વર જેવા સ્લમ વિસ્તારમાં નોંધાયો હતો. કોરોનાને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા જંગલેશ્ર્વર પર ધ્યાન કેન્દ્રિત કરી જંગલેશ્ર્વરને કોરોનામુકત કર્યું હતું પરંતુ કોરોનાએ સ્લમ વિસ્તાર છોડી ભદ્ર સમાજમાં પગપેસારો કર્યો હોય તેમ પોશ વિસ્તારમાં સરેરાશ ૪૦ જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
શહેરનાં કોરોના વોરીયર્સ ગણાતા પોલીસ અધિકારીઓ અને તબીબો કોરોનાની ઝપટે ચડયા બાદ સાંઘ્ય દૈનિકનાં ૫ કર્મચારીઓનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કોરોના વધુને વધુ બેકાબુ બની રહ્યો છે. આજે દિવસ દરમિયાન ૪૫ જેટલા દર્દીઓનાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શહેરની જાણીતી ક્રિષ્ના સ્કુલનાં સંચાલક મહેન્દ્રભાઈ ગજેરાનો કોરોનાનો રીપોર્ટ ત્રણ દિવસ પહેલા પોઝીટીવ આવ્યો હતો. શહેરનાં જાણીતા જવેલર્સનાં વેપારી વ્રુજલાલભાઈ આડેસરાનાં ધર્મપત્ની મધુકાન્તાબેનને પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેઓનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજયું હતું જેની સાથે છેલ્લા ૪૮ કલાકમાં રાજકોટની જુદી-જુદી કોવિડ હોસ્પિટલોમાં ૨૧ કોરોના પોઝીટીવ દર્દીઓનાં મોત નિપજયા છે. શહેરનાં મહિલા કોર્પોરેટર માસુબેન હેરભાનાં પતિ પણ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. કોરોના એટલી હદે ફેલાઈ રહ્યો છે કે, ટંકારા-પડધરીનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાનાં ૨૨ પરીવારજનોને શનિવારે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા અને સાથો સાથ શહેરની કેન્સર હોસ્પિટલનાં વધુ ૪ કર્મચારીઓ પણ કોરોના વાયરસમાં સપડાતા તેમના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. શહેરનાં જાણીતા સિનિયર એડવોકેટનાં પરીવારજનો પણ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.
કોરોના વોરિયર્સે રક્ષાબંધનનું પર્વ અનોખી રીતે ઉજવ્યું
કોરોનાની મહામારીમાં ભાઈ-બહેનનાં પ્રતિક સમાન રક્ષાબંધનનાં તહેવાર પર કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉજવણીથી વંચિત રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડીંગમાં ૩૫૦થી પણ વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ વાયરસનો ફેલાવો અટકાવવા માટે કોઈપણ પરીવારજનોને મળવાની ના હોય ત્યારે રક્ષાબંધનનાં તહેવાર પર હોસ્પિટલનાં સ્ટાફ અને કોરોના વોરીયર્સ આગળ આવ્યા હતા. કોઈપણ દર્દીનાં સગા-વ્હાલા જયારે નીચે કંટ્રોલરૂમમાં રક્ષાનું પ્રતિક રાખડી મોકલે છે ત્યારે હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા આ રાખડીને ભાવભેર દર્દી સુધી પહોંચાડી અને પુરી સુરક્ષા સાથે તેને રાખડી બાંધવામાં આવે છે તેજ રીતે કોઈપણ પોઝીટીવ મહિલા માટે પણ પોતાનો ભાવભેર સંદેશો બહાર રહેલા તેના ભાઈ માટે હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા પહોંચાડવામાં આવે છે. કોરોનાની મહામારીમાં જયારે વાયરસની ઝપટે ચડેલા લોકો તહેવારની ઉજવણીથી વંચિત ન રહે તે માટે કોરોના વોરીયર્સ અને હોસ્પિટલનો સ્ટાફ લોકોની વ્હારે આવ્યો છે.
જેલમાં બંદીવાનોને રક્ષાબંધન પર બહેનની મુલાકાતને કોરોનાનું ગ્રહણ
કોરોનાની મહામારી ખૂબ ઝડપથી વધી રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તહેવારોની ઉજવણીને લઈને પણ ઘણા અનુરોધ કરવામાં આવ્યા છે. કોરોના રાજકોટમાં જેલ સુધી પણ પહોંચી જતા આ વર્ષે બંદીવાનો અને બહેનના તહેવાર રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના સંક્રમણના કારણે જેલમાં રક્ષાબંધનની ઉજવણી પર રોક લગાવામાં આવી છે. આ વર્ષે કેદીઓ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે.
રાજકોટ સેન્ટ્રલ જેલમાં કોરોનાના ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. ઘણી સાવચેતી છતાં પણ જેલમાં કોરોના સંક્રમણ ફેલાતા તંત્ર દ્વારા આ વર્ષે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વ પર અલગ જ માહોલ જોવા મળે છે. બંદીવાનોને હર વર્ષે જેલમાં તેમની બહેનો અને મહિલા કેદીઓ તેમના ભાઈઓને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે જેલ તંત્ર દ્વારા રક્ષાબંધન ની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે.
સેન્ટ્રલ જેલના બંદીવાનોને રક્ષાબંધનના પર્વ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેલમાં રહેલા ભાઈ – બહેન કેદીઓ હર વર્ષે રાખડીના તહેવાર ઉજવતા હોય છે. પરંતુ કોરોનાએ જેલમાં પણ દેખા દેતા આ વર્ષે રક્ષાબંધનના પર્વ પર બહારથી આવતા પરિવારજનો માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. અને સાથે જેલના મેઈન ગેટ પાસે બોક્સમાંજ રાખડી મુકવાનો નિયમ લાદવામાં આવ્યો છે. વર્ષોથી ચાલતી જેલની પ્રથામાં આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જેલતંત્ર દ્વારા કેદીઓ માટે એકબીજાને રાખડી બાંધી ઉજવણી કરવાનું જણાવામાં આવ્યું છે. જેલમાં રહેલા ભાઈ-બહેન કેદીઓ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે તેવું જાણવામાં આવ્યું છે.ત્યારે સૌપ્રથમ વખત સેન્ટ્રલ જેલ અને રાજ્યની તમામ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી સ્થગિત રાખવામાં આવી છે.