સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ કોલેજોમાં ઓનલાઇન હાજરી ફરજિયાત
મોટાભાગની બી.એડ કોલેજોમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોવાની સમસ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ કોલેજોમાં હવે ઓનલાઈન હાજરી ફરજિયાત બની જશે. એનસીટીઇના આદેશ બાદ હવે રાજકોટ સહિત રાજ્યભરની બી.એડ કોલેજોમાં ઓનલાઈન હાજરીના નીયમની અમલવારી થઈ જશે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ કોલેજમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરીનો પ્રશ્ન સામે આવ્યો છે ત્યારે નવા નિયમનો અમલ સત્તાધીશો કરાવી શકે છે કે કેમ તે જોવું રહ્યું.
એનસીટીઈ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા રાજકોટ સહિત રાજ્યની તમામ કોલેજોને બાયોમેટ્રિક હાજરી પુરવા માટેનો આદેશ અપાયો છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૬૦ જેટલી બીએડ કોલેજોમાં ઓનલાઈન હાજરીનો અમલ કરવાનો રહશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એનસીટીઇના નિયમનું પાલન કરવાનું રહેશે. કોલેજોએ ૩૦ દિવસમાં બાયોમેટ્રિક મશીન લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે જો કોઈ કોલેજમાં ઓનલાઇન હાજરી અમલ નહીં થતો હોય તો તેનો નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનને રિપોર્ટ કરશે અને ત્યારબાદ કોલેજની માન્યતા પણ રદ થઈ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બી.એડ કોલેજમાં વિદ્યાર્થીઓની ગેરહજરીનો પ્રશ્ન સામે આવ્યો છે અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓ રેગ્યુલર હાજર રહેતા નથી અને કેટલીક કોલેજોમાં સ્ટાફ પણ ગેરહાજર હોય કે જેથી બી.એડ કોલેજોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે બી.એડમાં બાયોમેટ્રિક હાજરીનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.