વઢવાણ નજીક આવેલા ફુલગ્રામમાં ભુગર્ભ ગટરની પાઇપ લાઇનના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે થયેલી બોલાચાલીના કારણે પિતા, પુત્ર અને પુત્રવધૂના ગળા કાપી નિર્દયતાથી કરપીણ હત્યા કર્યાની ઘટનાથી નાના એવા ફુલગ્રામમાં સન્નાટો છવાઇ ગયો છે. એક સાથે ત્રણ વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પિતા, પુત્ર અને પુત્રવધૂની સવારે એક સાથે અર્થી ઉઠતા સમગ્ર ગામ હીબકે ચડયુ હોય છે.
સમશાન યાત્રા દરમિયાન હૃદય દ્રાવક દ્રશ્ય સર્જાયા હતા. ત્રિપલ મર્ડરની ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા ફુલગ્રામ દોડી આવ્યા હતા ત્યારે મૃતકના ભાઇએ હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને ફાંસીની સજા થાય તેવી કાર્યવાહી કરી ન્યાય અપાવવા માગ કરી છે. ગઇકાલ બપોરથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્રણેય હતભાગીઓની સમ્શાન યાત્રા દરમિયાન પણ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ફુલગ્રામ ગામે સર્જાયેલ ત્રેવડી હત્યાની કરુણાંતિકાની મળતી વિગતો મુજબ એસ.ટીમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઇ હમીરભાઇ મેમકીયાને તેમના ઘરની સામે રહેતા અગરસંગ ઉર્ફે અગો નાગજીભાઇ માત્રાણીયા નામના શખ્સ સાથે શેરી વચ્ચેથી પસાર થતી ગટરની લાઈન બાબતે થયેલ સાવ સામાન્ય બોલાચાલી નું મનદુ:ખ રાખી બપોરના સમયે બાઇક પર પાણીનો કેરબો લઇ ઘર પાસે પહોંચેલા ધર્મેન્દ્રભાઇ તેમજ તેમના પત્ની દક્ષાબેન કંઇ વિચારે તે પહેલા જ આરોપી અગો છરી સાથે ધસી આવ્યો હતો અને બન્નેના ગળા પર છરીના ઘા મારતા પતિ. પત્ની ફ્સડાઇ પડયા હતા. આ સમયે ઘર માંથી બહાર નિકળેલા યુવાનના પિતા હમીરભાઇ કેહરભાઇ પર પણ અગસંગ ઉર્ફે અગો છરી લઇને તુટી પડતા ત્રણે લોકો જમીન પર તરફ્ફીયા મારવા લાગ્યા હતા.
બપોરના સમયે ગામના છેવાડાના મોહલ્લામાં દેકારો થતા હમીરભાઇના પરીવાર તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘાતકી કૃત્ય કરનાર અગાને મહામહેનતે દબોચી તેના જ ઘરમાં પુરી પોલીસને જાણ કરી હતી. આરોપી દ્વારા કરાયેલા ઓચિંતા હુમલામાં ત્રણે લોકોના ગળા કપાય ગયા હોવાથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાથી સારવાર મળે તે પહેલા જ કમકમાટી ભર્યા મોત નિપજતા ગામમાં તેમજ તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
એક જ પરીવારના ત્રણ ત્રણ લોકોની કરપીણ હત્યાના બનાવના ઉગ્ર પ્રત્યાઘાતો પડતા જીલ્લા ભરની પોલીસ ફુલગ્રામ ખાતે દોડી ગઇ હતી અને લોકોએ ઘરમાં પુરેલા આરોપી અગાને ઝડપી લઇ જોરાવરનગર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.સ્થાનિકો ના જણાવ્યા મુજબ અમારા ગામમાં કોઇ દિવસ હત્યાનો બનાવ બન્યો જ નથી ત્યારે એકી સાથે એક જ પરીવાર ના ત્રણ લોકોની હત્યા થી ગમગીની સાથે પરીવાર માં હૈયાઙટ આક્રંદ સાથે આખા ગામમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
હત્યારાને ફાંસીની સજા કરાવી નોધારા બનેલા બાળકોને ન્યાય અપાવવા માગ
ફુલગ્રામમાં નજીવી બાબતે ગઇકાલે બપોરે પાડોશી શખ્સે એક સાથેના ગળા વાઢી લોઢ ઢાળી ખૂની ખેલ ખેલ ખેલનાર અગરચંદ ઉર્ફે અગા સામે કડક કાર્યવાહી કરવા અને મૃતક ધર્મેન્દ્રભાઇ અને તેમના પત્ની દક્ષાબેનના નોધારા બનેલા બે માસુમ બાળકોને ન્યાય અપાવવા જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સમક્ષ હિતેશભાઇ હમીરભાઇ મેમકીયાએ કરુણ આક્રંદ સાથે માગ કરી હત્યારાને ફાંસી સજા અપાવવા રજૂઆત કરી છે.