રાજકીય ભલામણથી થયેલી બદલી સામે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે સમગ્ર મામલાની જાણ થતા જ તલાટી મંત્રીની બદલી અટકાવી, ગ્રામજનોએ ભૂપતભાઈનો આભાર વ્યક્ત કર્યો
અબતક, રાજકોટ:
રાજકોટ શહેરના કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે સરપંચ સહિતના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ને તાળાબંધી કરવામાં આવી હતી.તાજેતરમાંજ એક દીવસ પહેલા પડવલા ગામે તલાટી મંત્રી તરીકે મુકેશ પી. જાગાણીની નિમણુક કરવામાં આવી હતી.અને તલાટી મંત્રી રવિ જોશીની બદલી કરવામાં આવી હતી. પરંતુ પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજા સહિતના ગ્રામજનો તેમજ પડવલામાં કારખાના ધરાવતા ઇન્ડસ્ટ્રીઝ માલિકો દ્વારા નવા તલાટી મંત્રી જાગાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.તલાટી મંત્રી રવિ જોશી ને 4 મહિના જેટલો સમય થયો હતો પરંતુ રાજકીય કિનાખોરીને કારણે તેમની બદલી કરી દેવામાં આવી હતી. જેના વિરોધમાં પડવલા ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી હતી.
પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવામાં “અબતક મીડિયા” અગ્રેસર રહ્યું
અબતક મીડિયા દ્વારા આ સમગ્ર મામલે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને લોકોના મંતવ્યો લઈ તંત્રનું ધ્યાન દોર્યું હતું.માત્ર એક જ કલાકમાં તંત્ર એ સમગ્ર અહેવાલ બાદ તાત્કાલિક તલાટી મંત્રી રવિ જોશીની બદલી અટકાવી હતી.જેની જાણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે સરપંચ મજબૂતસિંહ જાડેજાને ટેલિફોનિક વાતચીત દ્વારા કરી હતી.
પડવલા ગામના ઈતિહાસમાં પહેલી વખત ગ્રામ પંચાયતને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાય
સમગ્ર મામલે અબતક મીડિયા એ પ્રજાના પ્રશ્નોને વાચા આપી હતી જે બદલ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો .તલાટી મંત્રી રવિ જોશીની બદલી અટકી જતા ગ્રામજનોએ આંદોલન સમેટી ગ્રામ પંચાયતના તાળા ખોલી ને રાબેતા મુજબ ગ્રામ્ પંચાયત કચેરી શરૂ કરી હતી.
પ્રજાના પ્રશ્નોને વાચા આપવા બદલ ‘અબતક’ મીડિયાનો
આભાર: મજબૂતસિંહ જાડેજા (સરપંચ, પડવલા)
વર્ષોથી પડવલા ગામ સમરસ રહ્યું છે.પડવલા ગામના સરપંચ મજબૂતસિંહ જાડેજાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તલાટી મંત્રી રવિભાઈ જોશી છેલ્લા 4 મહિનાથી અહીં ફરજ બજાવે છે.તેઓને વિના કારણે કિનાખોરી રાખી ને રાજ્ય સરકારના એક મંત્રીએ બદલી કરાવી નાખતા અમે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે.ગ્રામજનોને સાથે રાખીને મેં પોતે તાળું મારેલ છે.હાલમાં જ અમોને જિલ્લા પંચાયત પ્રમુખ તરફથી ફોન આવેલ અને તલાટી મંત્રી રવિભાઈ ને તેમના સ્થાને યથાવત રાખી બદલી કેન્સલ કરેલ છે.આ સમગ્ર મામલે અબતક મીડિયા દ્વારા લાઈવ કવરેજ કરવામાં આવેલ અને અમારા ગામનો પ્રશ્ન તંત્ર સુધી પોહચતા થોડાજ સમયમાં યોગ્ય નિર્ણય આવી ગયેલ જે બદલ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા બદલ અબતક મીડિયાનો ગ્રામજનો વતી આભાર વ્યક્ત કરું છું.
તાળાબંધીની ‘અબતક’ મારફત જાણ થતાં જ ડીડીઓને
જાણ કરી અને બદલી અટકાવી: ભુપતભાઈ બોદર
પડવલા ગામે તાળાં બંધીની ઘટના મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે અબતક મીડિયા સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, પડવલા ગામમાં તલાટી મંત્રીની બદલીને લઈ ગામના લોકોએ તાળાં બંધી કરી તે અબતક મીડિયાના માધ્યમથી જાણ થતાં જ, કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ મામલે જરૂરી તમામ કાગળિયાઓ સાંજના સમયમાં જ હાથવાગા થઈ ગયા હતા. પુરાવાઓની ખરાઇ કરતા એ વાત સ્પષ્ટ થઈ કે તલાટી સાથે અન્યાય થયો છે. આ મામલાની જાણ જિલ્લા વિકાસ અધિકારીને પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે બદલી અટકાવી દીધી હતી.વધુમાં ભૂપતભાઈએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના આગામી સમયમાં ન બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી સાથે સંકલન હાથ ધરવામાં આવશે અને જે ગામમાં તલાટી મંત્રી સાથે પ્રશ્ન ગામલોકોને ઉભો થયો ત્યારે તેની ચોક્કસ બદલી કરવામાં આવશે પરંતુ અહીં ગામ લોકોની લાગણી તલાટી મંત્રી સાથે જોડાયેલી હોવાના કારણે બદલી અટકાવવામાં આવી છે.]
“મંત્રી” ભલામણથી પડવલા ગામે જુના તલાટી મંત્રીના ભાઈનો જ ઓર્ડર થયો હતો
પડવલાના ગ્રામજનોના કહેવા મુજબ જુના તલાટી મંત્રી જોગાણીને તેના ભાઈ ને જ તલાટી મંત્રી તરીકે અહીં રાખવા હોઈ તેણે રાજકીય સબંધનો ઉપયોગ કરીને એક મંત્રીને ભલામણ કરી પોતાના ભાઈ મુકેશ જાગાણી નો ઓર્ડર કરાવ્યો હતો.મંત્રીએ પોતાની વગનો ઉપયોગ કરી તલાટી મંત્રી રવિ જોશીની બદલી કરાવી ને જાગાણી ને ત્યાં પોસ્ટિંગ અપાવ્યું હતું. જે સમગ્ર મામલાની જાણ થતા જ ગ્રામજનો એક થઈ ગયા હતા અને રાજકીય કિનાખોરીથી થયેલ તલાટી મંત્રી રવિ જોશીની બદલીના વિરોધમાં ગ્રામ પંચાયત ને તાળાબંધી કરી હતી.