પ્રદેશ પ્રમુખનો તાજ પાટીદાર સમાજના શીરે: રજની પટેલ, મનસુખ માંડવીયા, ગોરધન ઝડફીયા, ઋષિકેશ પટેલના નામો ચર્ચામાં
ગુજરાત પ્રદેશ ભાજપના વર્તમાન પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો ત્રણ વર્ષનો કાર્યકાળ ગત ઓગષ્ટ માસમાં પૂર્ણ થઈ ગયો છે. જેથી પાર્ટી દ્વારા નવા પ્રદેશ પ્રમુખ પદ માટે યોગ્ય મુરતીયો શોધવા છેલ્લા પાંચેક માસથી કવાયત ચાલી રહી છે. પરંતુ રાજયના તમામ જિલ્લા અને શહેરોમાં સંગઠ્ઠનના નવા પ્રમુખ અને મહામંત્રીઓની વરણી માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. જેથી વિવાદ નિવારવા જિલ્લા અને શહેર સંગઠ્ઠનના ૬૦ ટકા હોદેદારોની વરણી થઈ જાય પછી જ નવ પ્રદેશ પ્રમુખની વરણી કરવાનો પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય કર્યો છે. જેથી હવે ‘કમુરતા’ બાદ ભાજપ તેનો નવો ‘મુરતીયો’ જાહેર કરશે તેમ મનાય રહ્યું છે. જોકે, જે પણ મુરતીયો હશે તે પાટીદાર સમાજનો જ હશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે.
ભાજપના દિલ્હી હાઈકમાન્ડે દેશના મોટાભાગના રાજયોમાં ૩૧ ડીસેમ્બર પહેલા નવા પ્રદેશ પ્રમુખે જાહેર કરી દેવાનો નિર્ણય કર્યો હતો. જેથી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ જીતુભાઈ વાઘાણીની જગ્યાએ નવા પ્રમુખની વરણી નિશ્ર્ચિત મનાતી હતી. ગુજરાત ભાજપે પહેલા ૧૫ નવેમ્બર પહેલા રાજયના તમામ જિલ્લા અને શહેરોનાં સંગઠ્ઠનોના નવા હોદેદારોના નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ પદો માટે એક કરતા વધારે દાવેદારો ઉભા થતા પ્રદેશ ભાજપે આ સમય મર્યાદા વધારીને ૩૦ નવેમ્બર કરી હતી જે બાદ પાર્ટી દ્વારા સૌ પ્રથમ વખત હોદેદારોના નામ માટે આગેવાનો, કાર્યકરોના સેન્સ પણ લીધા હતા પરંતુ હોદેદારો થવા માટે ચાલતી ખેંચતાણના કારણે હજુ સુધી મોટાભાગના જિલ્લા અને શહેરોમાં પાર્ટી નવા હોદેદારો ના નામ નકકી કરી શકી નથી.
જેથી પાર્ટી હાઈકમાન્ડે ૬૦ ટકા જિલ્લા અને શહેરોમાં સંગઠ્ઠનના નવા હોદેદારો નકકી થઈ જાય પછી જ નવા પ્રદેશ પ્રમુખ પદનો મૂરતીયો જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કમુરતા ચાલી રહ્યા હોય સારા કામો પાર્ટી થાય તેવી માન્યતા સાથે હવે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતી બાદ કમુરતા ઉતર્યા બાદ પ્રદેશ પ્રમુખ પદ માટે નવા મૂરતીયાના નામની જાહેરાત કરે તેવી સંભાવના આધારભૂત સુત્રોએ વ્યકત કરી છે. હાલમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદ માટે જેમના નામો આગળ ચાલી રહ્યા છે. તેમાં પૂર્વ ગૃહરાજય મંત્રી રજનીભાઈ પટેલ કેન્દ્રીય રાજય મંત્રી મનસુખભાઈ માંડવીયા, વર્તમાન ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફીયા ઉપરાંત ડાર્ક હોર્સ તરીકે વિસનગરનાં ધારાસભ્ય રૂષિકેશ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. જીતુ વાઘાણીએ પ્રદેશ પ્રમુખ તરીકે રીપીટ કરવામાં આવે તેવી સંભાવના ખૂબજ ઓછી મનાય રહી છે.
જેથી હાલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જેમના નામો આગળ ચાલી રહ્યા છે. તે તમામ દાવેદારો પાટીદાર સમાજના હોય ભાજપનો મૂરતીયો પાટીદાર સમાજનો જ હશે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. આમપણ હાલમાં જ્ઞાતીવાદી રાજકારણને સંતુલીત રાખવા ભાજપને પાટીદાર સમાજને મહત્વપૂર્ણ સ્થાન આપવું જરૂરી છે. જેથી ભાજપી હાઈકમાન્ડ પ્રદેશ ભાજપ પ્રમુખ પદનો તાજ પાટીદાર મૂરતીયાને પહેરાવીને પાટીદારોને ખુશ રાખવાનો પ્રયાસ કરશે તેમ રાજકીય પંડીતોનું માનવું છે.