તે સમયના બીલખા થાણાની લાદીઓ ઉખડી ગયેલી, દીવાલોમાં ગાબડાં પડેલા ટુંકમાં ધર્મશાળા કરતા પણ હાલત ખરાબ હતી તો સ્ટાફનું પણ એમ જ હતું!
સોરઠ જિલ્લો જુનાગઢ બીલખા
ફોજદાર જયદેવ લાઠીથી બદલી થતા જૂનાગઢ જીલ્લાના જૂના સોરઠ પ્રાંત ખાતે જવા છૂટો થયો રાબેતા મુજબનો વિદાય સમારંભ થયો પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તથા આમંત્રીતોના પ્રવચનો થયા ‘જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ ઔર શામ’ તથા ‘સાધુ ચલતા ભલા’ વિગેરે ભાષણો થયા અને ચા પાણી નાસ્તા કરી છૂટા પડયા જયદેવ જૂનાગઢ આવ્યો અને હાજર થતા જાણવા મળ્યું કે અહી આ જીલ્લામાં તો રાજકીય રાષ્ટ્રવાદી ગોડફાધર હોય તોજ નિમણુંક મળે તેમ છે. જયદેવ માટે તો જીલ્લો તમામ રીતે અપરિચિત હતો.
જયદેવ કોઈને ઓળખતો નહતો તેમ કોઈ તેને ઓળખતુ નહતુ જાણવા મળ્યુંકે ખાલી પડેલા પોલીસ સ્ટેશનોમાં જવા માટે ફોજદારો તાલુકા વાઈઝ નેતાઓની પાછળ લાઈન લગાડીને ઉભા હતા તેથી ત્યાં જયદેવની કાર્યદક્ષતા લાયકાતની ડીમાન્ડનો કોઈ સવાલ જ ન હતો તેમજ જયદેવ પણ કોઈની ચાંપલુસી કરવા જવાનો નહતો. વળી અમુક પોલીસ સ્ટેશનો ઘણા સમયથી ફોજદાર વગર ખાલી પડયા હતા પણ તે વિસ્તારનાં ધારાસભ્યોના માનીતા ફોજદારોનાં હજુ જૂનાગઢ જીલ્લામાં બદલી હુકમ થયા ન હતા કે અમુક હજુ જીલ્લામાં હાજર થયા નહતા.
આમ પોલીસ સ્ટેશનોમાં ફોજદારોની જગ્યાઓખાલી હોવા છતાં જયદેવનો હુકમ લીવ રીઝર્વ ફોજદાર તરીકે થયો તેથી જયદેવે મૂકામ જૂનાગઢ રેલવે સ્ટેશન પાસે આવેલા નવાબ વખતના જીલ્લા પંચાયતનાં પૌરાણીક વિશ્રામગૃહમાં કર્યો. દરમ્યાન નવા બદલાઈને આવતા ફોજદારો તેમના જે તે ગોડફાધરના આશિર્વાદ મુજબ ઈચ્છીત પોલીસ સ્ટેશનનો હુકમ લઈને હાજર થવા ચાલ્યા જતા હતા આ દ્રશ્યો જયદેવ માટે રોજના થયા હતા.
તે સમયે સીઆઈડી ક્રાઈમ જૂનાગઢના પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વાઘેલા કે જેમનો અગાઉની સરકારોમાં ખૂબ દબદબો હતો અને જીલ્લા આખાના કર્તાહર્તા અને ધૂંઆધાર અધિકારી હતા તેઓ સાંજના સમયે વિશ્રામ ગૃહમાં જયદેવ પાસે બેસવા આવતા આમ તો જયદેવે વાઘેલા સાથે કયાંય નોકરી કરેલી નહિ પરંતુ જૂનાગઢ તાલીમમાં હતો ત્યારથી બંને અરસ પરસ ઓળખતા હતા. પરંતુ આ જૂના પરિચય અને સમાચાર પત્રોના સમાચાર અને ખાતાનાં અધિકારીઓની ચર્ચાને કારણે વાઘેલાને એ ખ્યાલ હતો કે જેમ ક્રિકેટની ટીમમાં કોઈ એક ખેલાડી અગત્યનો અને હાર્ડહીટર હોય તેવી પોલીસ ખાતામાં જયદેવની કામગીરી અને કામ કરવાની પધ્ધતિ હતી. એક વખત મેદાનમાં ઉતર્યા પછી જીલ્લામાં તેના નામની ચર્ચા ચાલુ જ હોય.
રાષ્ટ્રીય પાર્ટીની સરકારોમાં વાઘેલા પોતે તો ઠીક પણ તેઓ અન્ય અધિકારીઓને પણ ધાર્યા નિમણુંક હુકમ કરાવી દેતા હતા પણ જેવું સતાપરિવર્તન થયું એટલે હોશિયાર ઈન્સ્પેકટર વાઘેલાએ અગમચેતી ‚પે જૂનાગઢ શહેર નહિ છોડવા માટે જાતે ગોઠવીને જૂનાગઢ સીઆઈડીક્રાઈમના સાઈડ પોસ્ટીંગનો હુકમ કરાવી લીધેલો જેથી તેને કોઈ ગમે ત્યાં ધકકો મારી ફેંકી શકે નહિ.
વાઘેલાએ જયદેવને પૂછયું તમને કેમ અને કઈ રીતે ધકકો લાગ્યો જયદેવે કહ્યું આમ તો રાષ્ટ્રવાદી પાર્ટી કક્ષાએ કોઈ વાંધો ન હતો અને બાબત પણ સાવ સામાન્ય એવી ખાનગી બસ ડીટેઈન કરવાની જહતી પુરીવાત કરીને કહ્યું વાંધો ફકત વંશવાદ અને પુત્ર પ્રેમનો જ હતો. વાઘેલાએ કહ્યું તમારો વાંધો જ આ અગાઉ રાષ્ટ્રીય પાર્ટીના સંસદ સભ્ય ઉપર પણ દા‚ પીધેલ નો કેસ કરીને પકડેલા તમે બાંધછોડના કરો પછી આજ દશા થાય ને? જયદેવે કહ્યું અરે યાર એક ગેરકાયદેસરની બસ ઉપર કાર્યવાહી અંગે આવી સ્થિતિ? આથી વાઘેલાએ કહ્યું તમને એ સામાન્ય લાગતુ હોય પણ તે સામાન્ય બાબત રાજકારણી માટે અતિ મોટો પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન થઈ ગયો હોય છે. આ બાબત હવે તમને નહિ જ સમજાય કેમકે તમે અઢાર વર્ષની નોકરીમાં જે સમજી શકયા નહિ તો હવે તો બહુ મોડુ થઈ ગયું કહેવાય ! જયદેવે કહ્યું દિલ્હીનાં આઈપીએસ અધિકારી ડો. કીરણ બેદીની બાયોગ્રાફી ‘પડકાર’I dareના પ્રકરણ ‘ભવિષ્ય પર દ્રષ્ટીપાત’માં તેમનું મંતવ્ય જણાવેલ છે કે
‘ઉંચી જગ્યાઓ ફકત રાજકીય નિર્ણય મુજબ જ ભરાતી હોય છે અને અનુકુળ આવે તેવા અધિકારીઓ જ પસંદ કરાતા હોય છે. ત્યાં નિષ્ઠાવાન વ્યકિત માટે જગ્યા નથી હોતી.જેમ જેમ સમાજમાં મૂલ્યોનુ ધોવાણ વધતુ જાય છે.તેમ તેમ સરકારી નોકરીઓમાં નીડર અને સાચા બોલા પણ કામઢા કાર્યદક્ષ અધિકારીઓની માંગ પણ ઓછી થતી જવાની. હું એવા અધિકારીઓ ની વાત ક‚ છું જે સતત ‘સ્વામી ભકિત’મા રાચતા રહેવાને બદલે મનમાં ઉગતી વાત મુકત પણે અને નિર્ભયતા પૂર્વક વ્યકત કરી તેનો અમલ પણ કરે છે’
તેથી આ હજુ પરિપકવ થતી જતી લોકશાહીનો લાભ રાજકારણીઓ લેતા જ રહેવાના ભારતની આઝાદી ને હજુ બ્રીટન કે અમેરીકા જેટલી સદીઓ થઈ નથી ફકત પાંચ દસકા જ થયા છે જેથી જેમ સૌનો સમય હોય છે. તેમ આ તેમનો સમય ચાલી રહ્યો છે. અને કુદરત જે ક્રાંતી કરી રહી છે.તેની આ આડપેદાશ પણ ગણી શકાય.
પરંતુ ઈન્સ્પેકટર વાઘેલાની મનથી ઈચ્છા હતી કે જયદેવને જૂનાગઢ જિલ્લામા કોઈ સારા પોલીસ સ્ટેશનમાં નિમણુંક મળે. પરંતુ વાઘેલાની છાપ રાષ્ટ્રીય પાર્ટીના અધિકારીની હોય તેઓ સીધી રીતે તો કોઈ રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા ને કહી શકે તેમ નહતા તેથી તેઓ વાયા મીડીયા જયદેવની નિમણુંક માટે ‘સાંઢીયા લાગ’ ગોઠવતા હતા તે સામે જયદેવને પણ આ માટે કોઈની દાઢીમાંહાથ નાખવાની ઈચ્છા નહતી.
તેવામાં બીલખા પોલીસ સ્ટેશનના ફોજદાર વીસ દિવસની રજા ઉપર જતા જયદેવને રજા પૂરતો બીલખાનો ચાર્જ સંભાળવા નો હુકમ થયો આથી ઈન્સ્પેકટર વાઘેલા હંસીને બોલ્યા ‘કયાં રાજા ભોજ અને કયાં ગાંગો તેલી’ આ બીલખાતો સાવ નાનું ક્રાઈમ અને કામ વગરનું પોલીસ સ્ટેશન છે. બીલખા સામાન્ય રીતે સાવ નવા કે બીમાર કે અશકત કે નિવૃત્તિન આરે આવેલા હોય તેવા ફોજદારને મૂકવામાં આવે છે કેમકે વર્ષે કુલ દસબાર ગુન્હા માંડ બનતા હોય તો! વળીબીજુ પણ કાંઈ કામ નથી હોતુ ખાઈ પીને સુઈ રહેવાનું આ તો તમારા જેવા નો દુરપયોગ અને તમને એક રીતની તો આ સજા ગણાય’
તે જે હોય તે જયદેવ તો બેગ લઈને આવ્યો બીલખા પોલીસ સ્ટેશન બીલ્ડીંગ રાજાશાહી વખતનું જુનુ પણ ખંઢેર હાલતમાં હતુ લાદીઓ ઉખડી ગયેલી દીવાલો ઉપર ગાબડા પડેલા, ફળીયામાં તો ઠીક પણ ઓંસરીમાં પણ ગાયો અને કુતરા આંટા મારતા હતા ટુંકમાં ધરમશાળા પણ સારી હોય તેવી હાલત હતી. જેવું પોલીસ સ્ટેશન તેવો સ્ટાફ, પીએસઓ વયોવૃધ્ધ અને માંડ ઉભો થઈ શકયો અને ધીમેધીમે ચાલીને જયદેવ પાસે આવી સલામ કરરીને કહ્યું ‘સાહેબ અહી મારી ખુરશી ઉપર બેસો ત્યાં હું ચેમ્બરની ચાવી શોધીને ખોલું છું.
અમારા ફોજદાર સાહેબ તો મારી ખુરશી ઉપર જ બેસે છે. ચેમ્બરમાં જતા જ નથી તેમ કહી મહા મહેનતે ચેમ્બરના રૂમના તાળાની ચાવી શોધીને ખોલી જોયું તો ચેમ્બરની હાલત પણ ઢોરની કોડ જેવી જ હતી ટેબલ ઉપર માટી જામી ગયેલી આથી જમાદાર બીચારા અર્ધા વાંકા વળી ટેબલ લુછવા ગાભો ગોતતા હતા તેથી જયદેવે કહ્યું જમાદાર તમે જાતે કેમ કરો છો સાથે નોકરી ઉપર કોન્સ્ટેબલ નથી? જમાદારે જે જવાબ આપ્યો તે સાંભળીને જયદેવ અવાચક થઈ ગયો તેણે કહ્યું ‘ સાહેબ છે પણ નામનો માણસ છે એ બહાર જુઓ ઓંસરીનાં ખૂણામાંસુતો પડયો છે.
તેને મગજ જ નથી તે મૌન ગાંડો છે. આ બીલખા પોલીસ સ્ટેશનતો આવા અમારી જેવા અશકત અથવા આવા ગાંડાઓને નિભાવવા અથવા કોઈને સજામાં રાખવા માટેનું જ છે.’ આટલામાં જયદેવ બધુ જ સમજી ગયો અને કહ્યું ‘હું વિશ્રામ ગૃહમાં જાવ છું મારે લાયક કોઈ બાબત કે કામ હોયતો બોલાવજો’ આથી જમાદારે કહ્યું ‘સાહેબ અહિં કોઈ કામ જ રહેતુ નથી આપ આરામ કરો ઈચ્છા પડે તો જૂનાગઢ રહો કોઈ ફેર પડતો નથી’
જયદેવ માટે તો તે બીલખામાં રહે કે જૂનાગઢ રહે સરખી જ સ્થિતિ હતી તેથી બીલખાના વિશ્રામ ગૃહમાંજ મુકામ કર્યો વિશ્રામગૃહનાં જે કહોતે મેનેજર, ચોકીદાર કે પટ્ટાવાળા એક પ્રજાપતિ ભાઈ ગામડાના કુંભાર હતા જેમનું મકાન વિશ્રામગૃહના કંપાઉન્ડમાં જ હતુ. આ પ્રજાપતિએ જયદેવને કહ્યું સાહેબ સારૂ કર્યું આપ પધાર્યા અહી કોઈ રોકાતુ જ નથી કાંતો જૂનાગઢ વિશ્રામ ગૃહ ને કાંતો મનોરંજન સરકીટ હાઉસમાં જ તમામ ચાલ્યા જાયછે. આપને ગરમ પાણીતો ઠીક પણ જમવાની પણ કોઈ ચિંતા નહિ રહે. હું મારા ઘેરથી જ રસોઈ બનાવી ને જમાડી દઈશ આમ જયદેવને પણ દિવસો જ ટુંકા કરવા ના હતા તેથી ત્યાંજ મુકામ કર્યો.
જયદેવ રાબેતા મુજબ પ્રવાસમાં હંમેશા પોતાની સાથે વાંચવાનું મનગમતું સાહિત્ય રાખતો જ જે થોડા દિવસમાં જ વંચાઈ ગયું તેથી ગેસ્ટ હાઉસના રૂમના ડ્રેસીંગ રૂમ તેમજ અન્ય કબાટોમાં પડેલા જૂના નાના મોટા પુસ્તકો પણ વાંચી નાખ્યા પછી પ્રજાપતિને પુછયું કે આ ગામમાં તો લાયબ્રેરીતો શાની હોય?આથી તેણે જવાબ આપ્યો કે ‘ના સાહેબ સાવ એવું નથી બીલખામાં લાયબ્રેરી છે. અહિ પ્રસિધ્ધ મહાત્મા શ્રી નથુરામ શર્મા આચાર્યજીનો આનંદ આશ્રમ આવેલો છે ત્યાં બહુ સારા ધાર્મિક પુસ્તકો મળી રહેશે.
જયદેવને તો કામ થઈ ગયું, નવરા નવરા સમય કેમ પસાર કરવો તે પ્રશ્ર્ન ઉકેલાઈ ગયો. સૌરાષ્ટ્રની પ્રસિધ્ધ શેઠ સગાળશાહ અને ચેલૈયાની બચપણમાં વાતો સાંભળેલી અને વતનમાં જે નાટકો જોયેલા તેમાં શેઠ સગાળશાહનું નાટક પણ જયદેવે જોયેલું આ નાટકમાં આતિથ્ય ભાવ માટે ભકત કુટુંબનું સમર્પણઅને ભગવાને સ્વયં ભકતની કરેલી આકરી કસોટીની આ પવિત્ર જગ્યા બીલખામાં આવેલી છે. તેને અડી નેજ આ આનંદ આશ્રમ આવેલો છે. જે આનંદ આશ્રમમાં ભારતીય વિધ્યાભવન દ્વારા સંચાલીત સંસ્કૃત પાઠ શાળા તથા ધાર્મિક શાસ્ત્રોના અદભૂત ખજાના રૂપ લાયબ્રેરી આવેલી છે. અને અમુક ધાર્મિક ગ્રંથો અને સાહ્ત્યિનું આનંદ આશ્રમ દ્વારા પ્રકાશન અને વંહેચણી પણ થાયછે.
આ આશ્રમ આમ તો સિધ્ધ સંત નથુરામ શર્મા આચાર્યજીની તપોભૂમિ છે. તેથી જે કોઈ શ્રધ્ધાવાન સાધક ને આ પવિત્ર અને કુદરતી પ્રાકૃતિક સૌદર્ય સમા ગીરનારની સાનિધ્યમાં ધર્મ સાધના કરવી હોય તો રહેવા મકાન અને જમવાની પણ સારી વ્યવસ્થા છે. જયદેવે લાયબ્રેરીમાં જુદા જુદા પુસ્તકો જોયા પરંતુ તેનેએક દુર્લભ એવું પરંતુ અતિ સુંદર મનગમતા વિષયનું પુસ્તક ‘પ્રાણાયામ નિરૂપણ’ જે સ્વામી સદાનંદ (અંબાશંકર ભાઈશંકર ત્રિવેદી)કૃત હતુ જેમાં તેઓએ જ્ઞાનનાં સાગર જેવા શાસ્ત્રો યોગકૌસ્તુભ હઠયોગ પ્રદિપિકા; યોગ તારાવલી, યોગ દિવાકર, ઘેરંડ સંહિતા, યોગ વાસિષ્ઠ રામાયણ તેમજ વિદેશી લેખકો બર્નાડ મેકફીડન તથા અમેરીકી યોગી સ્વામી રામચરક તથા તેમના ગૂરૂ નથુરામ શર્માજીના પ્રવચનોનો આધાર પણ લીધેલો છે. તેવું માહિતીથી ભરપૂર આ આશ્રમ દ્વારા જ પ્રકાશિતહતુ તે ખરીદી લીધું અને તેનો અભ્યાસ ચાલુ કરી દીધો તેમાં જણાવેલ છે કે તપો ન પરં પ્રાણાયામાત્તત વિશુધ્ધિર્મલાન્તદીપ્તીશ્ર જ્ઞાનસ્ય ॥(અમનસ્કખંડ) અર્થાત: પ્રાણાયામથી અધિક કોઈ બીજુ તપ નથી તેના (પ્રાણાયામ) વડે પાપ સંસ્કારોની નિવૃત્તિ થઈ જ્ઞાનનો પ્રકાશ થાય છે.
જીપના ડ્રાઈવરે જયદેવને કહ્યું સાહેબ હજુએક સારી ધાર્મિક જગ્યા છે. ઈચ્છા હોય તો જઈ એ. જયદેવ તો ફકત વિસદિવસ પૂરતો જ આવ્યો હતો. અહિ તેને કાંઈ લાંબો સમય કાઢવાનો નહતો કે તેને બીલખાના ત્રીસ ગામોની મુલાકાત લઈ તેનાથી વાકેફ થવું પડેકે તેના સરહદી પોલીસ સ્ટેશનો બગસરા, વિસાવદર, મેંદરડા કે જૂનાગઢ તાલુકાનો અભ્યાસ કરવો પડે તેથી જયદેવે કહ્યું ચોકકસ જઈએ.
સાંજના પાંચેક વાગ્યે જયદેવ બીલખાથી જીપ લઈને ડ્રાઈવર સાથે ગીરનાર પર્વતની ઉગમણી તળેટી તરફ ઉપડયો ત્યાં પાંચેક કિલોમીટર દૂર રામેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલુ છે. ત્યાં જયદેવે મહાદેવના દર્શન તો કર્યા પરંતુ આ જંગલમાં અને ગીરનારનીતળેટીમાં રહેલ જગ્યાનું અદ્ભૂત કુદરતી સૌદર્ય જોઈને જયદેવ અતિ ખુશ થઈ ગયો અને ડ્રાઈવર ને કહ્યું કે અરે ભલા માણસ આવી સુંદર જગ્યા છે તે પહેલા કહેવું હતુ ને? તો રોજ સાંજે આ કુદરતના ખોળે જ ફરતો રહેત. ‘મંદિર સામે નદીમાં બનાવેલ ડેમ તેના પાણીમાં ઝળુંબી રહેલા વૃક્ષો અને સૌથી અદભૂતતો સૂર્યાસ્ત સમયે પશ્ર્ચિમમાં રહેલ ગીરનાર પર્વતનું સૌંદર્ય જોવા જેવું હતુ. જયદેવે પોલીસ ખાતાની ફોજદાર તરીકેની તાલીમ જૂનાગઢમાં લીધેલી તેથી વહેલી સવારમાં પરેડમાં દરરોજ સૂર્યોદય વખતે તો ગીરનાર અને દાતારનાં ડુંગરોની સુંદરતાનું રસપાન કરેલું પણ આ ગીરનારની પશ્ર્ચિમે થતા સૂર્યાસ્તના નજારાનું સૌદર્ય પ્રથમ વખત જોવા મળ્યું.
ગીરનારના ઉતુંગશિખરો અને તેની એકદમ નીચે પડખામાં ઘેઘુર વૃક્ષો વચ્ચે આવેલું મંદિર હતુ અને આ સૂર્યાસ્તનો માહોલ તો કાંઈક જુદો અને અદભૂત અને રોમાંચક જણાતો હતો. તેમાં પણ પક્ષીઓનાં કીલકીલાટ અને મોરના ટહુકાઓ કે જેના પડઘાઓ પહાડમાં અથડાઈને વાતાવરણને અલૌકિક રૂપ આપતા હતા. પરંતુ બીજે જ દિવસે બીલખા ફોજદાર ચૌહાણ હાજર થતા જયદેવ પાછો બીલખાથી જૂનાગઢ એજ જીલ્લા પંચાયતના વિશ્રામગૃહમાં આવી ગયો.
સાંજના સીઆઈડીના ઈન્સ્પેકટર વાઘેલા પાછા વિશ્રામગૃહમાં મળી ગયા અને પુછયું જાત્રા કરી આવ્યા ? જયદેવે ક્યું ‘હા આધ્યાત્મિક જાત્રા તો કરી આવ્યો પણ ભૌતીક યાત્રાતો વેરાવળ સોમનાથ જવાનું થાયતો જ કરી કહેવાયને?’ આથી વાઘેલાએ કહ્યું તેને માટે તોકાંઈક રાજકીય સાંધા મેળકરવો પડે. પરંતુ હાલના સંજોગો અને તમારી જે માનસિકતાછે. તે જોતા તેવું બનવું શકય નથી. કેમ કે જે જે લોકો સાંઢીયા લાગ વાળા અને સાંધા (લાગવગ) વાળા હતા. તે તો તમારી પછી જૂનાગઢ આવી ને જે તે પોલીસ સ્ટેશનોમાં ગોઠવાઈ ગયા છે. તમારે તો હવે આ રીતે ખાલા જ પૂરવા ના છે. આથી જયદેવે કહ્યું ‘ઈશ્ર્વર જે કરે તે સારા માટે જ કરે !’
પરંતુ જૂનાગઢ જિલ્લામાં હજુ એક પોલીસ સ્ટેશન માંગરોળ બંદર ખાલી હતુ માંગરોળ ભૂતકાળમાં દાણચોરી માટે કુખ્યાત હતુ અને વગોવાયેલું હતુ. પરંતુ હાલમાં આ પ્રવૃત્તિઓ બંધ હોય કોઈ તેનું લેવાલ ન હતુ તેથી લાવારીસની માફક ખાલી પડયું હતુ ત્યાં જવા કોઈ અધિકારીઓ તૈયાર ન હતા. તે ઉપરાંત માંગરોળનું નામ ભુતકાળમાં લઘુમતી બહુમતી કોમવાદ ને કારણે સંવેદનશીલ થાણામાં નામ હતુ વળી ભૂતકાળમાં લઘુમતીઓમાં પણ તબલીક અને બીન તબલીકના ખૂંખાર અને લોહીયાળ તોફાનો થયેલા.
દરમ્યાન વેરાવળ સોમનાથના ફોજદાર ખુમાનસિંહ પરમારને કોઈક કામ સબબ જૂનાગઢ આવવાનું થયું. અગાઉ જયદેવ તથા પરમાર પોરબંદર જિલ્લામાં સાથે હતા અને બંનેની પોરબંદરથી સાથે બદલી થયેલ પરમાર જૂનાગઢ જીલ્લામાં આવ્યા ત્યારથી જ સોમનાથ પોલીસ સ્ટેશનમાં જ હતા. જયારે જયદેવ પોરબંદરથી અમરેલી જિલ્લામાં બાબરા,દામનગર, કોડીનાર અને લાઠી પોલીસ સ્ટેશનો ફરીને આ પાછો જૂનાગઢ જીલ્લામાં ભેગો થતા ખુમાનસિંહેકહ્યું ‘ભાઈ તમા‚ તો ધૂમકેતુ જેવું છે. ખુબ ફર્યા શું વાત છે?’ જયદેવને તો આમ ઘણુ કહેવાનું હતુ અને કાંઈ નહિ કહેવા જેવું લાગતા તે ચૂપ જ રહ્યો. આથી ખુમાનસિંહે કહ્યું ‘તમને સમજી શકે અને પચાવી શકે તેવા રાજકારણીઓ તો જવલ્લે જ મળે. ખેર, તે તો ઠીક પરંતુ માંગરોળ ખાલી પડયું છે.
તમારી જવાની ઈચ્છા ખરી? જયદેવે કહ્યું ‘મારી પસંદગીનો કે ઈચ્છા નો કોઈ પ્રશ્ન જ નથી’ આથી ખુમાનસિંહે જૂનાગઢ જિલ્લાનાં પોલીસ વડાને જયદેવ વિશે અહેવાલ આપ્યો. આથી પોલીસ વડાએ કહ્યું ‘સુના તો હે લેકીન કોઈ રાજકીય બબાલ તો ખડી નહિ હોગીને?’ ખુમાનસિંહ કહ્યું જયદેવ કોઈ બબાલ ઉભી કરતો નથી પરંતુ રાજકારણીઓ જ બબાલ ઉભી કરે છે અને બદનામ થાય છે જયદેવ ! આથી જૂનાગઢ જીલ્લા પોલીસ વડાએ જયદેવનો માંગરોળ પોલીસ સ્ટેશન માટે હુકમ કર્યો.