૧ લાખથી વધુ વાંધા અરજીઓ આવે તેવી ટેકસ બ્રાંચને દહેશત: વાંધા અરજી કરનાર વ્યકિત વેરા વળતર યોજનાના લાભથી વંચિત રહે તેવી ભીતિ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૧લી એપ્રિલથી કારપેટ એરીયા મુજબ મિલકત વેરાની આકારણી પઘ્ધતિની અમલવારી કરવામાં આવનાર છે. જેમાં વેરાનો દર અને નિયમો આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નકકી કરવામાં આવશે. કારપેટ એરીયાની અમલવારી બાદ વાંધા અરજીઓના ઢગલા ખડકાય તેવી દહેશત ટેકસ બ્રાંચના અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે અને આ અરજીઓના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવી પડે તેવું પણ જણાવી રહ્યા છે. વાંધા કરનાર વ્યકિત વેરા-વળતર યોજનાથી વંચિત રહે તેવું પણ હાલ દેખાઈ રહ્યું છે.

નવા નાણાકીય વર્ષથી કારપેટ એરીયા મુજબ મિલકત વેરાની આકારણી કરવા માટે મહાપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી શહેરના તમામ વોર્ડમાં સર્વે અને વેરીફીકેશનની કામગીરી શ‚ કરવામાં આવી છે. જે પૂર્ણતાના આરે છે. ટેકસ બ્રાંચના સુત્રોના જણાવ્યા અનુસાર આ નવી પઘ્ધતિની અમલવારી બાદ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલી વર્ષ ૧૯૯૪ પહેલાની મોટાભાગની મિલકતમાં વેરો વધે તેવી સંભાવના રહેલી છે તો ન્યુ રાજકોટમાં વેરાબીલમાં ઘટાડો થાય તેવું જણાઈ રહ્યું છે.

સર્વે દરમિયાન કુલ ૪,૪૮,૦૦૦ મિલકતો મળી આવી છે. જે એજન્સીઓને સર્વે અને વેરીફીકેશનની કામગીરી સોંપવામાં આવી હતી તેને કામગીરીમાં વેઠ ઉતાર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સર્વે દરમિયાન અનેક લોકોના વેરા બિલમાં નામ ફરી ગયા છે. ટેકસ બ્રાંચના અધિકારીઓને એવી દહેશત છે કે જે લોકોના વેરા બીલમાં નામ ફરી ગયા છે અને જેનો વેરો વધશે તે લોકો નવી સિસ્ટમની અમલવારી બાદ વાંધા અરજીઓ કરશે અને અંદાજીત ૧ લાખથી વધુ વાંધા અરજીઓ આવે તેવું લાગી રહ્યું છે. આટલી મોટી માત્રામાં આવેલી વાંધા અરજીઓના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવી પડશે.

મહાપાલિકા દ્વારા વર્ષોથી એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં વળતર આપવામાં આવે છે અને આ ત્રણ માસ સુધી ચાલનારી આ વેરા વળતર યોજનાનો આરંભ એપ્રિલ માસથી જ કરી દેવામાં આવે છે. આવામાં કારપેટ એરીયાની અમલવારી બાદ જો કોઈ વ્યકિત વાંધા અરજી કરશે તો તે વેરા વળતર યોજનાના લાભથી વંચિત રહે તેવી પણ સંભાવના નકારી શકાતી નથી. જોકે ટેકસ બ્રાંચના સુત્રો એવું જણાવી રહ્યા છે કે, વેરા વળતર યોજનાનો લાભ લીધો હોય અને વાંધા અરજી રજુ કરી હોય તેવા કેસમાં જો મિલકત ધારકનો વાંધો સાચો હશે તો તેને બાકીની વધતી રકમ મજરે જમા આપવામાં આવશે.

સરકારી તંત્ર પર લોકોને વિશ્ર્વાસ ઓછો હોવાના કારણે વાંધા અરજી કરનાર વ્યકિત વેરા વળતર યોજનાનો લાભ ન લે તે સ્વાભાવિક રીતે સમજી શકાય છે. કારપેટ એરીયાની અમલવારી માટે સર્વે અને વેરીફીકેશનની કામગીરી માટે જેટલી મજુરી કરવી પડે તેનાથી વિશેષ મજુરી વાંધા અરજીના નિકાલ માટે કરવી પડે તેવું લાગી રહ્યું છે. એક લાખથી વધુ વાંધા અરજીના નિકાલ માટે દિવસો નિકળી જશે અને આ નવી પઘ્ધતિથી પ્રથમ વર્ષે મહાપાલિકાની આવકમાં પણ તોતીંગ ઘટાડો થવાની પણ સંભાવના નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.