જિલ્લા કલેકટર કચેરીમાં હાઈલેવલ બેઠક, જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, મ્યુ.કમિશનર, ડીડીઓ સહીતના અધિકારીની ઉપસ્થિતિ
અધિક મુખ્ય સચિવે જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે ઝીણવટભરી માહિતી મેળવી, અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા
મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના કેસો વધતા તાજેતરમાં આરોગ્ય સચિવ દોડી આવ્યા હતા. હવે ફરી અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ અહીં દોડી આવ્યા છે. તેઓની આ ઓચિંતી મુલાકાતને પગલે તંત્ર દોડતું થયું છે. તેઓએ જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજીને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. શહેરમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે. જેમાં ગઈકાલે જ 40 પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે રાજકોટની કથળતી પરિસ્થિતિને પગલે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સચિવને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. પ્રથમ તેઓએ જામનગર બાદમાં રાજકોટની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ પ્રથમ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બાદમાં રાત્રી રોકાણ કરીને સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
આરોગ્ય સચિવની ઓચિંતી મુલાકાત બાદ આજરોજ ફરી અધિક મુખ્ય સચિવ પણ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટ મુખ્યમંત્રીનું હોમટાઉન હોય અહીં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થતાં તેઓને ખાસ રાજકોટ મોકલવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં તેઓ બપોરના સમયે પહોંચ્યા હતા. તેઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક પણ યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા અને અધિક કલેકટર પરિમલ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે હાઈ લેવલ બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં કોરોનાની હાલની પરિસ્થિતિની વિગતો મેળવી હતી. ઉપરાંત તેઓએ હાલ તંત્ર દ્વારા જે વ્યવસ્થા ગોઠવાય છે તેની સમીક્ષા પણ કરી હતી. વધુમાં અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાંજના સમયે સિવિલ હોસ્પિટલની મુલાકાત લ્યે તેવી પણ સંભાવના છે