ગુજરાતમાં 6 ટકાથી વધુ મત પ્રાપ્ત થાય એટલે આપનું ખાસ બનવું નિશ્ર્ચિત: મોદીને ટક્કર આપવા જો વિપક્ષ એક થાય તો અરવિંદ કેજરીવાલ જ વડાપ્રધાનનો ચહેરો
માત્ર 8 વર્ષના ટૂંકા રાજકીય જીવનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગણતરી હાલ દેશના ટોચના નેતાઓમાં થવા લાગી છે. આમ આદમી પાર્ટી દિલ્હીવાસીઓ બાદ પંજાબની જનતાનું દિલ પણ જીતવામાં સફળ રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં આપનું પ્રદર્શન કેવું રહે છે તેના પર સૌની નજર ટકેલી છે. બીજી તરફ ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ જામે તેવો માહોલ હાલ રચાઇ રહ્યો છે. એક વાત નિશ્ર્ચિત છે કે ગુજરાતની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી ખાસ બનીને ઉભરી આવશે એટલે કે હાલ માત્ર પ્રાદેશિક પક્ષની માન્યતા ધરાવતી આપ ગુજરાતની ચૂંટણી બાદ રાષ્ટ્રીય પાર્ટી બની જશે.
આમ આદમી પાર્ટીએ પ્રાદેશીક પક્ષની છબીને અપગ્રેડ કરી રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં માત્ર 6 ટકા મતો મેળવવા જરૂરી છે. ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જનતાના સારા એવા આશિર્વાદ મળ્યા હતા. સુરત મહાપાલિકામાં 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં આપ ગુજરાતની જનતા માટે ત્રીજો વિકલ્પ બની ઉભરી આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. ભલે આપને ગુજરાતમાં સત્તા મળતી ન હોય પરંતુ તેની એન્ટ્રીથી બંને મુખ્ય રાજકીય પક્ષો ચિંતીત થઇ ગયા છે અને દોડતા પણ થઇ ગયા છે. એક પ્રાદેશિક પક્ષની છબી ભૂંસીને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવવા માટે આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 6 ટકા જ મતોની જરૂરીયાત છે.
જે રીતે હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પ્રજાનું સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે આ ટાર્ગેટ બહું મોટો નથી.બીજી તરફ લોકસભાની આગામી ચૂંટણીમાં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બરાબરની ટકોર આપવી હશે તો કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ એકજૂટ બનીને લડત લડવી પડશે. હાલ મોદી સામે વિપક્ષ પાસે વડાપ્રધાનનો યોગ્ય અને મજબૂત કોઇ ચહેરો નથી. જો ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી બાદ આપ અપગે્રડ થઇ પ્રાદેશિક પક્ષમાંથી રાષ્ટ્રીય પક્ષ બની જશે તો કેજરીવાલ જ વિપક્ષનો વડાપ્રધાન પદનો ચહેરો હશે તે નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ માટે કેટલી ફાયદાકારક કે નુકશાનકારક સાબિત થશે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ગુજરાત આપ માટે ખાસ બની રહેશે. કારણ કે 8મી ડિસેમ્બર બાદ ગમે ત્યારે આમ આદમી પાર્ટી પ્રાદેશિક પક્ષમાંથી રાષ્ટ્રીય પક્ષ બની જશે.