કોરોનાના કેસો વધતા તકેદારીના ભાગરૂપે ધંધા- રોજગાર સવારે ૯થી ૨ સુધી જ ખુલ્લા રાખવા સુવરણકારોનો નિર્ણય
જામનગરમાં ગ્રેઇન માર્કેટ બાદ હવે ચાંદી બજાર પણ અડધો દિવસ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ચાંદી બજાર માત્ર સવારે ૯થી ૨ સુધી જ ખુલ્લી રાખવામાં આવશે. ત્યારબાદ બજાર બંધ રાખવામાં આવશે.જામનગર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. જેને ધ્યાને રાખીને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે. સામે વેપારી આલમ પણ પોતાની તથા સમગ્ર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને જાગૃતિ દાખવી રહ્યા છે. તાજેતરમાં ગ્રેઇન માર્કેટને અડધા દિવસ માટે જ ખુલ્લી રાખવા વેપારીઓએ સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો. જેથી હાલ ગ્રેઇન માર્કેટ સવારે ૯થી બપોરે ૨ સુધી જ ખુલ્લી રહે છે.
ગ્રેઇન માર્કેટ બાદ શહેરની ચાંદી બજાર પણ અડધો દિવસ માટે જ ખુલ્લી રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુવર્ણકારોએ તકેદારિના ભાગરૂપે જાહેર કરેલ નિર્ણય મુજબ હવે ચાંદી બજાર પણ સવારે ૯થી ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭૧ જેટલા કોરોનાના કેસો નોંધાયા છે. જેને ધ્યાને રાખીને વેપારીઓ સાવચેતીના ભાગરૂપે બજારો અડધો દિવસ બંધ રાખવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે. જેથી કોરોનાનું સંક્રમણ થતું અટકે અને શહેરીજનો સુરક્ષિત રહે.