અબતક, રાજકોટ
કહેવાય છે ને મન હોય તો માળવે જવાય… અત્યારના આધુનિક ગણાતા યુગમાં શિક્ષિત થવું કેટલૂ જરૂરી છે… તે સૌ કોઈ જાણે છે.એમાં પણ ખાસ કરીને એક નારીએ આત્મનિર્ભરતા કેળવવી હોય તો શિક્ષણ અનિવાર્ય જ છે. એટ્લે જ તો કહેવાય છે કે આજના સમયમાં ભણતર વિના બધુ નકામું છે. ત્યારે આજરોજ શરૂ થતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં દુલ્હન સામેલ થતાં આ વાત તદન સાચી ઠરી છે.
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સાથોસાથ પરીક્ષાની મોસમ પણ ખીલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિભિન્ન પ્રથમ તબક્કાની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 35 જેટલી પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે ત્યારે રાજકોટમાં આજે જેના લગ્ન છે તે શિવાંગી, લગ્ન મંડપને બદલે દુલ્હનના લિબાસમાં પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં પહોંચી હતી અને લગ્ન પહેલા કોલેજની પરીક્ષા આપીને સમાજને શિક્ષણના મહત્વની નવી રાહ બતાવી છે.
બી.એસ.ડબલ્યુની એક્ઝામ આપી રહેલી શિવાંગીની સાથે તેમના ભાવી પતિ પણ શાંતિનિકેતન કોલેજના પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. લગ્નના કપડાં પહેરીને દુલ્હન જ્યારે પરીક્ષા ખંડમાં આવી તો સૌ કોઈ ચકિત થઈ ગયા…..
વર્તમાન સમયમાં શિક્ષણ પ્રત્યે મહિલાઓ વધુ સભાન થઈ છે ત્યારે શિવાંગી પણ પોતાની જિંદગીમાં શિક્ષણનું મહત્વ સમજીને આજે પરીક્ષા આપવા સોળે શણગાર સાથે પહોંચી હતી. તેમની સાથે સાથ તેમના ભાવિ પતિદેવ પણ વરરાજા બનીને તેમની સાથે પહોંચ્યા હતા. શિવાંગી કહે છે કે લગ્ન તો આજે છે અને એ થશે પણ શિક્ષણ પણ મહત્વનું છે ત્યારે લગ્ન પહેલા પરીક્ષાની તારીખ આજે જ હોય પરીક્ષા દેવાનું પ્રથમ પસંદ કર્યું છે.