રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે શાળા-કોલેજો ફરી શરૂ કરવા મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટુ નિવેદન આપ્યું છે. હવે શાળા-કોલેજો અંગે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીમાં ઓટો મોબાઈલ કંપની વચ્ચે આયોજીત બીબીએ અભ્યાસક્રમના એમઓયુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે જેને લઈ ફરી એકવાર શાળા-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા મામલે ગણગણાટ શરૂ થયો છે. શાળા-કોલેજ શરૂ કરવા મામલે આગામી ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે અને વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તબક્કાવાર શાળા-કોલેજો ખોલવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પહેલા બોર્ડના વિદ્યાર્થી અને ત્યારબાદ ધો.9,8,7 અને 6 મુજબ શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષની જેમ આ બાબતે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જીએલએસ યુનિવર્સિટી કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો મને ગર્વ છે. ગુજરાતનો આ પહેલો પ્રસંગ હશે કે ઔદ્યોગીક ગૃહે યુનિવર્સિટી સાથે એમઓયુ ર્ક્યા આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગોને લાભ થઈ શકશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં માસ પ્રમોશન આપ્યા બાદ હવે અમે નિદાન કસોટીથી વિદ્યાર્થીની ગુણવત્તા પર ભાર મુકીશું. આ પ્રસંગે તેઓએ વિપક્ષના પણ વખાણ કર્યા હતા અને વિરોધ પક્ષ શિક્ષણના તમામ કામમાં સાથ આપે છે તે બદલ તેનો આભાર વ્યકત કર્યો હતો. ઓફલાઈન શિક્ષણ મુદ્દે ખાસ વાત કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હવે આગામી દિવસોમાં ઉચ્ચસ્તરીય બેઠક હાથ ધર્યા બાદ શાળા-કોલેજો ખોલવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને ધીમે ધીમે તમામ શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવામાં આવશે.
કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે હવે ફરીથી ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તો નવાઈ નહીં. બીજીબાજુ દેશમાં હવે સ્કૂલે જતા બાળકોને પણ વેક્સિન આપવાની વાત સામે આવી રહી છે. કોરોનાના કેસ હવે ઘટતા જાય છે, જો કે ત્રીજી લહેર નહીં આવે તો ચોક્કસથી કહી શકાય કે શૈક્ષણિક સંસ્થાઓ ફરી વિદ્યાર્થીના ગણગણાટથી ટૂંક સમયમાં જ ધમધમતી થઈ જશે.